કેનેડા જવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને હજુ વધુ એક મહિનો રાહ જોવી પડશે
અમદાવાદઃ ગુજરાતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જતા હોય છે. પીઆર વિઝા પર પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ કેનેડા જઈ રહ્યા છે. કોરોનાને કારણે લાંબા સમયથી કેનેડાએ ભારતીય વિમાનોના આગમન પર મૂકેલો પ્રતિબંધ 21મી જુલાઈના રોજ પૂરો થતો હતો તે હવે કેનેડા સરકારે 21મી ઓગસ્ટ સુધી લંબાવ્યો છે. તેથી કેનેડા જવાની તૈયારી કરીને બેઠેલાં વિદ્યાર્થીઓએ એક મહિના સુધી ઓનલાઈન ભણવું પડશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કેનેડા જનારા વિદ્યાર્થીઓએ સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી હતી. ટિકિટ પણ બૂક થઈ ગઈ હતી. પીઆર વિઝા પર કેનેડા જનારા પરિવારોએ પણ બધી જ તૈયારીઓ કરી દીધી હતી ત્યારે કેનેડા સરકારની આ જાહેરાતથી વિદ્યાર્થીઓ ચિંતિત બન્યા છે. ભારતમાં કોરોનાનું જોર ખૂબ જ હોવાને કારણે દુનિયાના ઘણા બધા દેશોમાં ભારતીય વિમાનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી કેનેડા જનારા વિદ્યાર્થીઓ અને પીઆર વિઝા પર કેનેડા સેટ થવા માટે જનારા પરિવારો ને 21મી જુલાઈથીના રોજથી કેનેડા ભારતીય વિમાનો માટેનો પ્રતિબંધ પૂરો કરી દેશે તેવી આશા હતી. જેને પગલે તમામે તૈયારીઓ કરી લીધી હતી. હવે આ પ્રતિબંધ 21 મી ઓગસ્ટ સુધી લંબાતા બધાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ કેનેડાની યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું છે તેમને હાલ અડધી રાત્રે અભ્યાસ કરવો પડે છે. જે હજુ એક મહિના સુધી યથાવત રહેશે. ભારતીય વિદ્યાર્થીઓ અન્ય દેશમાં થઈને કેનેડા જઇ શકે છે પરંતુ તે ખૂબ જ મોંઘુ પડતું હોય છે.