ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદીના કાવતરાને બનાવ્યું નિષ્ફળઃ ડ્રોન તોડી પાડી વિસ્ફોટક સામગ્રી કરી જપ્ત
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કનાચક વિસ્તારમાં પોલીસે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડ્રોનને તોડી પાડીને પાંચ કિલો વિસ્ફોટક આઈઈડી પણ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રોન ભારતીય સીમાની અંદર 6 કિમી આવ્યું હતું. સરહદ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી અવાર-નવાર ડ્રોન નજરે પડે છે. આતંકવાદીઓ ડ્રોનના મારફતે મોટા કાવતરાને અંજામ આપે તેવી આશંકા ગુપ્તચર એજન્સીઓએ અગાઉ વ્યક્ત કરી હતી. જેથી સુરક્ષાદળોએ પણ આ પડકારનો સામનો કરવા માટે રણનીતિ તૈયર કરી છે.
દરમિયાન બારામુલા જિલ્લાના સોપોરના વારપોરમાં સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સાથેની અછડામણમાં બે ત્રાસવાદીઓને ઠાર માર્યાં હતા. તેમની પાસેથી હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે અન્ય આતંકવાદીઓની શોધખોળ તેજ બનાવવામાં આવી છે. અથડામણ મોડી રાત સુધી ચાલી હતી.
27મી જૂનના રોજ ભારતીય વાયુસેના સ્ટેશન પર આતંકવાદીઓએ ડ્રોન મારફટે વિસ્ફોટક નાખીને હુમલો કર્યો હતો. આ હુમલામાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. જે બાદ ઘાટીમાં પોલીસ અને સેના એલર્ટ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડ્રોનના ખતરાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.
સુરક્ષા દળોએ આશંકા વ્યક્ત કરી હતી કે, આ રીતે ડ્રોનની ઘટનાઓ પાછળ આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાની સંડોવણી છે. આતંકવાદીઓ 27 જૂન જેવા મોટા કાવતરાને અંજામ આપવાની તૈયારીમાં હોવાની શંકાને પગલે પગલે સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે. ડીજીપી દિલબાગ સિંહએ પોલીસ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓને પાકિસ્તાનની ડ્રોન હરકતને લઈને નવેસરથી રણનીતિ તૈયાર કરવા સૂચના આપી છે. આ ઉપરાંત આતંકવાદીઓ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી સાબદા રહેવાની પણ તાકીદ કરવામાં આવી છે.