યોગી સરકાર એક્શનમાં: દિલ્હીમાં રોહિંગ્યાઓનો કેમ્પ તોડી 150 કરોડની ગેરકાયદે જમીન ખાલી કરાવી
- યોગી સરકારનું ગેરકાયદે કબ્જા કરેલી સરકારી જમીનને સાફ કરવાનું અભિયાન
- યોગી સરકારે દિલ્હીમાં રોહિંગ્યાઓના કેમ્પ પર બુલડોઝર ચલાવ્યું
- બુલડોઝર ચલાવીને રૂ.150 કરોડની જમીન ખાલી કરાવી છે
નવી દિલ્હી: હાલમાં ઉત્તરપ્રદેશની યોગી સરકાર પ્રદેશમાં જ નહીં ક્યાંય પણ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જા વિરુદ્વ અભિયાન ચલાવી રહી છે. હવે સરકારે પાડોશી રાજ્ય દિલ્હીમાં રોહિંગ્યાઓનો કેમ્પ પર બુલડોઝર ચલાવીને તેની રૂ. 150 કરોડની જમીન ખાલી કરાવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર યોગી આદિત્યનાથ સરકારે દિલ્હીના મદનપુર ખાદરમાં ઉત્તર પ્રદેશની સિંચાઇ વિભાગની 2.10 હેક્ટર જમીન પર બનેલા રોહિંગ્યા કેમ્પ તોડી નાંખ્યા હતા. આ જમીનની કિંમત અંદાજે રૂ. 150 કરોડ છે. RWAએ દિલ્હી પોલીસ સમક્ષ રોહિંગ્યા મુસ્લિમોની ગેરકાયદે વસતી હટાવવા માટે વિનંતી કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી થઇ નહોતી. આથી યોગી સરકારે વહેલી સવારે 4.00 વાગ્યે જ દિલ્હીના મદનપુર ખાદર સ્મશાન ઘાટ સામે ગેરકાયદે રહેતા રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્વ કાર્યવાહી કરીને સિંચાઇ વિભાગની જમીન ખાલી કરાવી લીધી છે.
દિલ્હીના મદનપુર ખાદર સ્મશાન ઘાટ સામે રોહિંગ્યા મુસલમાનોએ લાંબા સમયથી ગેરકાયદે રૃપે વસાહત સ્થાપી દીધી હતી. દિલ્હી સરકાર દ્વારા અહીં બધી જ સરકારી સુવિધાઓ પણ અપાઈ રહી હતી. લોકડાઉનમાં આ કેમ્પોમાં દિલ્હી સરકાર અને ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન તરફથી રાશન સામગ્રી પણ પૂરી પડાઈ હતી. અગાઉ કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે રોહિંગ્યા મુસલમાનો ભારતની સલામતી માટે જોખમ છે અને સરકાર તેમને દેશ નિકાલ કરવા માગે છે.
યોગી આદિત્યનાથ સરકારમાં જળશક્તિ મંત્રી ડૉ. મહેન્દ્રસિંહે પણ તેમની સરકારની આ કાર્યવાહીનો વીડિયો ટ્વીટ કર્યો છે. મંત્રીએ લખ્યું, દિલ્હીમાં ફરીથી યોગી સરકારનું બુલડોઝર ચાલ્યું. યોગી સરકારની દિલ્હીમાં મોટી કાર્યવાહી. આગામી સમયમાં અતિક્રમણ હટાઓ અભિયાન હેઠળ ટૂંક સમયમાં જ વધુ મોટા પગલાં લેવાશે.