ગાંધીનગરઃ રાજમાં નગરપાલિકાઓમાં વેરાના દરમાં બહુ વિસંગતતા જોવા મળી રહી છે. આથી નગર પાલિકાઓમાં વેરા વસૂલાત ને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આવતા દિવસોમાં રાજ્યની તમામ નગરપાલિકામાં વસુલવામાં આવતા વિવિધ ટેક્ષની વસુલાત રેટ એકસરખો રાખવા કમિટીની રચના કરવામાં આવશે. રાજ્યભરની નગરપાલિકાઓ માટે પાણી વેરો, સફાઈ વેરો વગેરે વેરા વસુલાતનો દર એક સરખો રાખવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે. નગરપાલિકાઓ માટે વેરાની આવક સૌથી મોટો આવકનો સ્ત્રોત હોય છે તેવા સંજોગોમાં વેરા વસૂલાતના દર અલગ અલગ રહેવા ના પરિણામે કેટલીક મુશ્કેલી ઉપસ્થિત થાય છે.
રાજ્યની નગરપાલિકાઓને વધુ સુદ્રઢ અને પારદર્શી વહિવટથી પ્રોગ્રેસિવ બનાવવાની કાર્યપ્રણાલિ અપનાવવા રિજીયોનલ મ્યૂનિસિપાલિટીઝ કમિશનરોને સૂચના આપી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની 156 નગરપાલિકાઓ વચ્ચે વિકાસના અને જનસુખાકારી સુવિધા વૃદ્ધિના કામોની તંદુરસ્ત સ્પર્ધા થાય તેવું વાતાવરણ નિર્માણ કરાશે. આવી તંદુરસ્ત સ્પર્ધા અને નગરોમાં નાગરિક સુખાકારી, લાઇટ–પાણી–રસ્તા, એસ.ટી.પી– ભૂર્ગભ ગટર, હર ઘર જલ–નલ સે જલ વગેરે વિવિધ વિકાસ કામોના પેરામિટર્સના આધારે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપવામાં આવશે. જેનાથી નગરપાલિકાઓને લોકહિત–નગર સુવિધાના વધુને વધુ કામો કરવાનું પ્રોત્સાહન મળશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાજ્યના 6 રિજીયોનલ મ્યૂનિસિપલ કમિશનરો, શહેરી વિકાસ વિભાગના અધિકારીઓની યોજાયેલી સમીક્ષા બેઠકમાં તેમણે નગરપાલિકાઓની પ્રજાલક્ષી કામગીરી સુગ્રથિત કરવા અંગે ગહન માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત મ્યૂનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, જીયુડીસીના ડિરેકટર હાદિર્ક શાહ તેમજ શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, શહેરી હાઉસીંગ સચિવ લોચન શહેરા તેમજ કમિશનર ઓફ મ્યૂનિસીપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ અને મુખ્યમંત્રીના ઓ.એસ.ડી કમલ શાહ, રાજેશ રાવલ વગેરે આ બેઠકમાં સહભાગી થયા હતા.
આ સમીક્ષા બેઠકમાં સ્પષ્ટ્રપણે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત ડેવલપ અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલું છે. હવે દેશભરની નગરપાલિકાઓ માટે ઉદાહરણ રૂપ અને દિશાદર્શક આપણી નગરપાલિકાઓ બને તેવું બેસ્ટ એડમીનીસ્ટ્રેશન, ટ્રાન્સપેરન્સીથી વિકાસ કામો હાથ ધરીને લોકોને પણ બદલાવ–ચેન્જની અનૂભુતિ થાય અને નગરો પ્રોગ્રેસિવ બને તેવી વ્યવસ્થાઓ આરસીએમ પોતાના વિસ્તારની નગરપાલિકાઓમાં વિકસાવે તે જરૂરી છે.