સાપુતારામાં શનિ-રવિની રજા હોવાથી પ્રવાસીઓની જામી ભીડ
આહવાઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. સાપુતારામાં વરસાદના કારણે ગિરીકંદરાઓએ લીલી ચાદર ઓઢી હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે. આ કુદરતી વાતાવરણને માણવા માટે ચોમાસામાં સુરતીઓ દમણ કરતા સાપુતારાના પ્રવાસને વધુ પસંદ કરી રહ્યા છે. ડાંગ જિલ્લામાં ધીમીધારે વરસતા વરસાદથી આહલાદક વાતાવરણ સર્જાયું છે, ત્યારે આવા વાતાવરણમાં ડાંગ જિલ્લામાં આવેલા વિવિધ ધોધ ઉપર સ્નાનની અને સેલ્ફીની મજા માણવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. શનિ-રવિની રજા હોવાથી વરસાદી વાતાવરણમાં પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.
સાપુતારામાં શિવઘાટ ધોધ આકર્ષણ ધરાવે છે. યુવાનો, મહિલાઓ અને બાળકો આ ધોધમાં અચૂક સ્નાનનો લાભ લેતા હોય છે. રોડને અડીને આવેલો આ ધોધ આમ તો સમગ્ર વર્ષ દરમિયાન મોટાભાગે સૂકો હોય છે પણ ચોમાસાની સિઝનમાં આ ધોધ અવિરત વહેતો રહે છે જેને માણવા માટે અનેક સહેલાણીઓ આવતા હોય છે સાથે જ સેલ્ફી લેવા માટે આ ધોધ બેસ્ટ ઓપ્શન બની ગયો છે. મોજશોખ માટે જાણીતા સુરતીઓ વિકેન્ડ આવતા ડાંગ અને સાપુતારા તરફ ડગ માંડે છે રૂટિન લાઈફમાંથી સમય મેળવી સુરતીઓ શનિ રવિ વારની રજામાં ડાંગની સફરે નીકળી પડતાં હોય છે. કુદરતી નજારો જોવા સાથે ડાંગના વિશેષ ભોજન નાહરીમાં પણ અસ્સલ ડાંગી ભોજનનો પણ તેઓ લાભ લે છે.