અમદાવાદની RTO કચેરીમાં લાયસન્સ રિન્યુ માટે અરજદારોને પડતી મુશ્કેલીઓ
અમદાવાદઃ શહેરના આરટીઓમાં વર્ષ 2012 પહેલાંના વાહન લાઇસન્સ બેકલોગની પ્રોસેસ કર્યા પછી મહિના સુધી અરજી પડી રહે છે. એ પછી પુરાવાના અભાવે અરજી રિજેક્ટ કે પાછી આવે છે, જેની અરજદારને કોઈ જાણકારી હોતી નથી. અરજદાર રૂબરૂ આવે ત્યારે જાણ થાય છે. રોજના 50થી વધુ અરજદારો આરટીઓના ધક્કા ખાતા હોવાનું કહેવાય છે.
સૂત્રોએ જણાવ્યુ હતું કે, વર્ષ 2010 પહેલાંના વાહન લાઇસન્સના બેકલોગ માટે સરકારે નવી ગાઇડલાઇન જારી કરી હોવા છતાં અરજી કર્યા બાદ મહિના સુધી કોઈ મેસેજ મળતો નથી. રૂબરૂ ધક્કો ખાનારા અરજદારને પોતાની અરજી રિજેક્ટ કે બેક કરી હોવાની જાણ થાય છે. કયા ડોક્યુમેન્ટ કેટલી સાઇઝમાં કરવા? તેની કોઈ ગાઇડલાઇન નહીં હોવાથી અને આરટીઓમાં માર્ગદર્શિકા ન હોવાના લીધે એજન્ટો ભરપૂર ફાયદો ઉઠાવી રૂ. 200થી 300 સુધીની ફી વસૂલી રહ્યા છે. કોરોનામાં એક્સપાયર થયેલા ડ્રાઇવિંગ લાઇસન્સના રિન્યુની અરજીના નિકાલ માટે સરકારી ગાઇડલાઇન મુજબ 30 સપ્ટેમ્બરની સમયમર્યાદા છે, પરંતુ ટેકનિકલ સમસ્યાને લીધે 300 અરજી અટવાઈ છે. લાઇસન્સ રિન્યુ માટે રૂ. 400 ફી ભરવા છતાં લાયસન્સ રિન્યુ થતું નથી. રૂબરૂ ધક્કા ખાનાર અરજદારને જવાબ મળે છે કે, હાલ તમારી અરજીને વેલિડ ગણતા નથી. રિવેલિડેશન નહીં થાય તો વાહનના લર્નિંગની પ્રોસેસ કરવાની રહેશે. ફરી પાકું લાઇસન્સ કઢાવવું પડશે. આ માટે એજન્ટો હજારથી બે હજાર ફી વસૂલી રહ્યા છે.