- પેગાસસ જાસૂસી કાંડને કારણે દેશમાં રાજકીય ભૂકંપ
- હવે રાજ્યસભાના સાંસદે સુપ્રીમ કોર્ટમાં તેને લઇને પિટિશિન દાખલ કરી
- પિટિશન દાખલ કરીને SIT તપાસની કરી માંગણી
નવી દિલ્હી: પેગાસસ જાસૂસી પ્રોજેક્ટને લઇને દેશમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ઇઝરાયલના સ્પાયવેર પેગાસસ દ્વારા કાર્યકરો, રાજકારણીઓ, પત્રકારો અને અનેક અધિકારીઓની થતી કથિત જાસૂસીના રિપોર્ટ બાદ વિપક્ષે હાલમાં સરકારને બરોબરની ઘેરી છે.
ચોમાસું સત્રના પહેલા દિવસે પણ પેગાસસ જાસૂસી મામલે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. જ્યારે હવે, આ મુદ્દે રાજ્યસભાનાં સાંસદ જોન બ્રિટ્ટાસે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને SIT તપાસની માંગ કરી છે. અગાઉ સુપ્રીમ કોર્ટના વકીલ મોહન લાલ શર્મા પણ SIT તપાસની માંગ કરી ચૂક્યા છે.
ઇઝરાઇલી સ્પાયવેર પેગાસસ દ્વારા કાર્યકરો, રાજકારણીઓ, પત્રકારો અને બંધારણીય પદાધિકારીઓની જાસૂસી મામલે કોર્ટની દેખરેખ હેઠળ તપાસની વિનંતી કરતાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્ક્સવાદી (સીપીઆઈ-એમ) નેતા અને રાજ્યસભાના સાંસદ જ્હોન બ્રિટ્ટાસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
CPI નેતા બ્રિટાસે, સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરીને જણાવ્યું કે, જાસૂસીના તાજેતરના આક્ષેપોથી ભારતના વિશાળ વર્ગમાં ચિંતા ઊભી થઇ છે અને આ જાસૂસી કાંડથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ઉંડી અસર થશે. તેમણે પેગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસી કરાવવાના આરોપો અંગે કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે વિનંતી કરી છે.
બ્રિટાસે રવિવારે એ દાવો પણ કર્યો કે આ આરોપો બે નિષ્કર્ષ તરફ દોરી જાય છે, સરકાર દ્વારા જાસૂસી અથવા તો વિદેશી દ્વારા. તેમણે કહ્યું કે જો સરકાર દ્વારા કરવામાં આવ્યું હોત તો તે અનધિકૃત રીતે કરવામાં આવ્યું હતું. અને જો કોઈ વિદેશી એજન્સી દ્વારા જાસૂસી કરવામાં આવે છે તો તે બહારની દખલની બાબત છે.