શ્રીલંકામાં અત્યાર સુધીના સૌથી મોટા આતંકી હુમલાને એક સપ્તાહનો સમય પણ વીત્યો નથી કે વધુ એક વિસ્ફોટના અહેવાલ છે. ગુરુવારે સવારે શ્રીલંકાની રાજધાની કોલંબોથી 40 કિલોમીટર દૂર બોમ્બ વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. જો કે વિસ્ફોટ કેવા પ્રકારનો છે, તેના સંદર્ભે છેલ્લા અહેવાલો સુધી પોલીસનું સત્તાવાર નિવેદન સામે આવવાનું બાકી છે.
ગત સપ્તાહે ઈસ્ટરના પ્રસગે શ્રીલંકામાં આઠ શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. તેના પછી આખા દેશમાં સુરક્ષા વધારવામાં આવી છે. પરંતુ સૌથી હેરાન કરનારા અહેવાલ છે કે ફરી એકવાર વિસ્ફોટ થયાના રિપોર્ટ સામે આવ્યો છે. ઈસ્ટર એટેકની જવાબદારી આઈએસઆઈએસ નામના ઈસ્લામિક આતંકવાદી જૂથે લીધી છે. આ વિસ્ફોટોમાં મરનારાઓની સંખ્યા 359 પર પહોંચી ચુકી છે.
શ્રીલંકામાં હુમલા બાદથી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમેરિકાની એજન્સી એફબીઆઈ પણ તપાસમાં મદદ કરી રહી છે. અત્યાર સુધી લગભગ 58 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ પણ થઈ હી છે. પોલીસ સતત શંકાસ્પદ બાઈક, ફોન અને અન્ય સામાન જપ્ત કરી રહી છે. જણાવવવામાં આવે છે કે અત્યારે પણ ઘણી શંકાસ્પદ સામગ્રીથી સજ્જ શકમંદો શ્રીલંકામાં ઘૂમી રહ્યા છે.
કોલંબોની હોટલ શાંગરિલામાં થયેલા વિસ્ફોટની પાછળ નેશનલ તૌહીદ જમાતનો હાથ જણાવવામાં આવે છે. તેનો માસ્ટરમાઈન્ડ ઝહરાન હાશિમ હતો. હાશિમે જ હોટલમાં ઘૂસીને ખુદને ઉડાવ્યો હતો. સ્થાનિક રિપોર્ટ્સ પ્રમાણે, તે ડૉ. ઝાકિર નાઈકથી પ્રભાવિત હતો.
મહત્વપૂર્ણ છે કે શ્રીલંકામાં આતંકવાદી હુમલાથી પહેલા ભારતે એલર્ટ મોકલ્યું હતું. શ્રીલંકાના સંરક્ષણ પ્રધાને પણ બુધવારે નિવેદન આપ્યું હતું કે ભારતે જે જાણકારી આપી હતી, તે ક્યારેય વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે સુધી પહોંચી શકી નહીં. આ ઈનપુટ્સ રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરીસેનાને મળ્યા હતા. તેના ઉપર તેમણે તપાસ કરવાનો ભરોસો વ્યક્ત કર્યો હતો. પરંતુ વડાપ્રધાન અને સંરક્ષણ એજન્સીઓને આના સંદર્ભે સૂચિત કરવામાં આવી ન હતી.