1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત ફૉસ્ફેટિક રૉકના સ્વદેશી થરો તપાસશે,ખાતર ઉત્પાદનમાં ‘આત્મનિર્ભર’ બનવા તરફનું પગલું
ભારત ફૉસ્ફેટિક રૉકના સ્વદેશી થરો તપાસશે,ખાતર ઉત્પાદનમાં ‘આત્મનિર્ભર’ બનવા તરફનું પગલું

ભારત ફૉસ્ફેટિક રૉકના સ્વદેશી થરો તપાસશે,ખાતર ઉત્પાદનમાં ‘આત્મનિર્ભર’ બનવા તરફનું પગલું

0
Social Share
  • ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા તરફનું પગલું 
  • ભારત હવે ફૉસ્ફેટિક રૉકના સ્વદેશી થરો તપાસશે
  • ભવિષ્યમાં ખેડૂતોને અઢળક ફાયદો થવાની સંભાવના

દિલ્હી : કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ખાતરોના ઉત્પાદન માટે દેશમાં કાચી સામગ્રીની સ્થિતિનું આકલન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી. આ મીટિંગમાં રસાયણ અને ખાતર મંત્રાલય, ખાણ મંત્રાલય, જિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા, નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર અને મિનરલ એક્સ્પ્લોરેશન કોર્પોરેશન લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓની સાથે રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી ભગવંત ખુબા હાજર રહ્યા હતા.

મીટિંગને સંબોધતા મનસુખ માંડવિયાએ ઉલ્લેખ કર્યો હતો કે ભારત ખાતરની આયાત પરનું અવલંબન ઘટાડવા અને તમામ ખાતરોમાં ‘આત્મનિર્ભરતા’ મેળવવા માટે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ક્ષેત્રો માટે ‘આત્મનિર્ભર ભારત’નો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ખાતર ઉત્પાદનમાં ‘આત્મનિર્ભરતા’ના લક્ષ્યને હાંસલ કરવા માટે રસાયણ અને ખાતર મંત્રાલય સતત કાર્ય કરી રહ્યું છે અને નવા માર્ગો ચકાસી રહ્યું છે.

તેમણે કહ્યું, ‘આ લક્ષ્યને હાંસલ કરવા માટે, આપણે સ્વદેશી સામગ્રીઓ મારફત ખાતરના ઉત્પાદનને વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જ રહ્યું. આપને હાલ મુખ્યત્વે ડીએપી અને એસએસપીનું ઉત્પાદન કરવા કાચી સામગ્રી માટે અન્ય દેશો પર આધારિત છીએ. 21ના સદીના ભારતે આયાત પર એનું અવલંબન ઘટાડવાની જરૂર છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે, આપણે સ્વદેશી ફૉસ્ફેટિક ખડકો અને પોટાશના થરોને તપાસવા જ પડશે અને ભારતીય ખેડૂતોની જરૂરિયાતોને પૂર્ણ કરવા એને ડીએપી, એસએસપી, એનપીકે અને એમઓપી બનાવવા માટે સ્વદેશી ઉદ્યોગોને ઉપલબ્ધ કરાવવા પડશે.’

એ ઉલ્લેખ કરવો પ્રસંગોચિત છે કે ડીએપી અને એનપીકે ખાતર માટે રૉક ફૉસ્ફેટ ચાવીરૂપ કાચી સામગ્રી છે. હાલ ભારત, આ કાચી સામગ્રી માટે 90% આયાત પર અવલંબે છે. આંતરરાષ્ટ્રીય ભાવોમાં ચંચળતા ખાતરના ઘરેલુ ભાવોને અસર કરે છે. એનાથી દેશના કૃષિ ક્ષેત્રની પ્રગતિ અને વિકાસ અવરોધાય છે અને આપણા ખેડૂતો પર વધારાનું દબાણ ઊભું કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

માંડવિયાએ એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે કેન્દ્ર સરકાર કાર્ય યોજના સાથે તૈયાર છે અને ખાતર બનાવવા માટે વપરાતા ખનીજ સંસાધનોનો જથ્થો ધરાવતા રાજ્યો સાથે મસલતો અને અર્થપૂર્ણ વાતચીત શરૂ કરશે.

માંડવિયાએ ફૉસ્ફેટિક જથ્થાના ધંધાદારી શોધનની અગત્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે હાલના 30 લાખ મેટ્રિક ટનના ફૉસ્ફેટિક જથ્થામાં ઉત્પાદન વધારવા માટે આવશ્યક તમામ પગલાં લેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારે 536 મિલિયન ટન જેટલા જીઆર ધરાવતા ખાતર ખનીજ સંસાધન વિવિધ રાજ્યોને સોંપ્યા છે. આ જથ્થો રાજસ્થાન, ભારતના મધ્ય મહાદ્વિપ, હિરાપુર (મધ્ય પ્રદેશ), લલિતપુર (ઉત્તર પ્રદેશ), મસૂરી સિંક્લાઇન, કુડુપ્પાહ તટપ્રદેશ (આંધ્ર પ્રદેશ)માં ઉપલબ્ધ છે. એવું પણ વધુમાં નક્કી થયું હતું કે ખાણ વિભાગ અને જિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા રાજસ્થાનના સતીપુડા, ભારૂસારી અને લખસર અને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં સંભવિત પોટાસિક ઓર સંસાધનો શોધવાનું ઝડપી બનાવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code