નવી દિલ્હી: ઑલ ઇન્ડિયા કોટા ઑફ મેડિકલ એજ્યુકેશનમાં OBC વર્ગ માટે અનામતની માંગ ચાલુ છે. સરકારી સૂત્રો અનુસાર, આ મુદ્દાને લઇને પીએમ મોદીએ સોમવારે એક સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન તેઓએ આર્થિક રીતે નબળા વર્ગને પણ તાત્કાલિક રીતે અનામતના વ્યાપમાં લાવવાની વાત કહી છે. બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા સહિત અનેક વિભાગના પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.
આપને જણાવી દઇએ કે રાજ્ય સંચાલિત મેડિકલ કોલેજોમાં યૂજીમાં 15 ટકા અને પીજીમાં 50 ટકા સીટો ઑલ ઇન્ડિયા કોટા હેઠળ આવે છે. તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામત મળે છે. પરંતુ અન્ય પછાત વર્ગને અનામતની જોગવાઇ નથી. પીએમ મોદીએ સમીક્ષા બેઠકમાં ઇચ્છા વ્યક્ત કરી કે મેડિકલ એજ્યુકેશનમાં OBC અનામતનો મુદ્દો સંબંધિત મંત્રાલયો તરફથી કોર્ટની બહાર પ્રાથમિકતા સાથે ઉકેલવો જોઇએ.
PM મોદીએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આર્થિક રીતે નબળા વર્ગ માટે પણ અનામત લાગુ કરવાની વાત કહી છે. વડાપ્રધાને મંત્રાલયના અધિકારીઓ સાથે અલગ-અલગ રાજ્યોમાં મેડિકલ એજ્યુકેશનને લઈને EWS અનામતની હાલની સ્થિતિની સમીક્ષા કરવા માટે પણ કહ્યું છે. PMએ સ્વાસ્થ્ય મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે તેઓ તમામ રાજ્યોથી જાણકારી પ્રાપ્ત કરો કે ત્યાં EWS વર્ગના અનામતની યોજનાની શું સ્થિતિ છે.
પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગોના અનેક ગણમાન્ય વ્યક્તિઓ અને સંગઠનોએ સોમવારે કેન્દ્ર સરકારથી આગ્રહ કર્યો કે આ વખતે વસ્તી ગણતરીમાં જાતિ આધારિત આંકડા પણ એકત્ર કરવામાં આવે જેથી વિવિધ ક્ષેત્રોમાં પણ તમામ પાત્ર સમુદાયોને અનામતનો યોગ્ય લાભ મળી શકે.