ગાંધીનગરઃ પેટ્રોલની સાથે ડીઝલના ભાવ પણ સાતમાં આસમાને પહોંચતા હવે ટ્રક-ટ્રાન્સપોર્ટરો બાયોડીઝલનો ગેરકાયદે વપરાશ કરવા લાગ્યા છે. હલકી કક્ષાના બાયોડીઝલથી ડીઝલ એન્જિનોને તો નુકશાન થાય છે પણ પ્રદુષણમાં પણ વધારો થાય છે. ગુજરાતમાં ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણની પ્રવૃત્તિ પર અંકુશ મેળવવાની ખાસ ઝુંબેશમાં કુલ 250 ગુનાઓ દાખલ કરી 414 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્યમાં ચાલતા બાયોડીઝલના બિનધિકૃત ઉત્પાદન અને વેચાણ રોકવા ગુજરાત પોલીસ અસરકારક કામગીરી રહી છે. જેના પગલે રાજ્યમાં અનેક સ્થળે બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનું ધ્યાને આવતાં સરકાર દ્વારા તમામ સંબંધિત વિભાગોને આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા.
રાજ્યમાં ગેરકાયદે બાયોડીઝલ વેચતા ઠેર ઠેર હાટડાં ઊભા થઈ ગયા છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પુરવઠા ખાતાના અધિકારીઓ તથા રાજય વેરા વિભાગના અધિકારીઓની ખાસ સંયુકત ટીમ બનાવી આ પ્રકારના ગેરકાયદેસરના વ્યાપાર ચલાવતા એકમો ઉપર રેઇડ કરવાની ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. એટલું જ નહીં હાલમાં પણ રાજયમાં અમુક સ્થળોએ આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું રાજય પોલીસ વડા આશીષ ભાટિયાના ધ્યાન ઉપર આવતાં રાજયના તમામ જિલ્લા શહેરના પોલીસ વડાઓને આ અંગેના એક ખાસ એકશન પ્લાન પ્રમાણે બાયોડીઝલના અનધિકૃત ઉત્પાદન અને વેચાણ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા ડી.જી.પી. દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં દરેક જિલ્લા/શહેર દ્વારા સ્થાનિક કક્ષાએ અલગ-અલગ ટીમો બનાવીને બાયોડીઝલ વેચતા પંપ કે અન્ય સ્થળોએ રેઇડ કરવામાં આવી હતી.
સપ્ટેમ્બર 2020 થી તા.18/07/2021 સુધીમાં કુલ-218 ગુનાઓ દાખલ કરી કુલ-354 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તા.20/07/2021 સુધીમાં કુલ-250 ગુનાઓ દાખલ કરી કુલ-414 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજયમાં બાયોડીઝલના અનધિકૃત ઉત્પાદન અને વેચાણ અંગે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરી માત્ર 2 દિવસમાં જ કુલ-32 ગુનાઓ શોધી કાઢી 60 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ ડી.જી.પી. દ્વારા આવા ગુનાઓના મૂળ સુધી પહોંચીને જે પદાર્થો બાયોડીઝલના નામે વેચવામાં આવે છે તે ખરેખર શું છે ? અને તેનો મોટી માત્રામાં જથ્થો કયાંથી આવે છે ? તે અંગે પણ ઉંડી તપાસ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.