દરિયાના પાણી હવે ઘોઘા ગામમાં નહીં પ્રવેશે, 10 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવાશે
ભાવનગર : જિલ્લાના ઘોઘાથી ગોપનાથ સુધીનો દરિયો તોફાની ગણાય છે. આથી દરિયાના પાણી ઘોઘા ગામમાં વારંવાર ઘૂંસી જતા હોય છે.અંગ્રેજોના સમયમાં બનેલી અને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ કે જે ઘણા વર્ષોથી સાવ તૂટી જતા સુનામી અને હાઈટાઇડના સમયે આ દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જતું હોવાથી આ દિવાલને ફરી બનાવવાની માંગ ઘોઘાવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા આ મામલે વિવિધ વિભાગો સાથે સંકલન કરી આ દીવાલ બનાવવા અંગેના સર્વેની કામગીરી હાથ ધરી છે. અને આગામી સમયમાં અંદાજીત રૂ.૧૦ કરોડના ખર્ચેં આ પ્રોટેક્શન વોલના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે.
ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ કે જે ઘોઘાબંદર તરીકે પણ જાણીતું છે. આ ઘોઘા બંદર કે જ્યાં વર્ષો પહેલા વહાણવટા સમયમાં મોટી સંખ્યામાં વહાણોની આવન-જાવન રહેતી હતી અને ઘોઘા બંદર ધમધમતું હતું. જે સમય જતા ઘોઘા બંદરમાં વહાણની અવર-જવર ઓછી થઇ અને હાલ માત્ર અલંગ અને અન્ય જહાજોમાં ઓઇલ અને ડીઝલ રિફિલ કરવા તેમજ ટગને એંકરેજ કરવા ઘોઘા બંદરનો ઉપયોગ કરવામાં આવે છે. ઘોઘાથી ગોપનાથ સુધીનો દરિયો અતિ કરંટવાળો દરિયો માનવામાં આવે છે, જે મુજબ તે એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ઘરાવતો દરિયો ગણાય છે.
અંગ્રેજ શાસનકાળ દરમ્યાન દરિયાનું પાણી સુનામી કે મોટી ભરતીના કારણે ગામમાં ઘુસી ના જાય તે માટે દરિયાકાંઠે એક કિ.મી. કરતા પણ વધુ લાંબી સુરક્ષા દીવાલ બનાવવામાં આવી હતી. જે ઘોઘાના નીચાણવાળા વિસ્તારના દરિયા કાંઠે આ દીવાલ બનાવવામાં આવી હતી. સમય જતા ધીમે ધીમે આ દીવાલ તુટવા લાગી હતી અને હાલ આ દીવાલનું અસ્તિત્વ નહીવત પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેને કારણે મોટી ભરતીના સમયે દરિયાના પાણી ફરી ગામમાં ઘૂસી રહ્યા છે. અંગ્રેજ શાસનકાળ દરમ્યાન બનાવવામાં આવેલ આ સુરક્ષા દીવાલ કે જે ૧૧૨૧ મીટર લાંબી છે, તેમજ અલગ અલગ વિભાગમાં તેને વહેંચવામાં આવી છે.
જેમાં 141 મીટર દીવાલનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડ પાસે, 446 મીટરનો ચાર્જ જીલ્લા પંચાયત ભાવનગર પાસે, 402 મીટરનો ચાર્જ અલંગ મરીન બોર્ડ પાસે અને 132 મીટરનો ચાર્જ લાઈટ હાઉસ પાસે હોવાથી આ તમામ વિભાગોની સહમતી ના બનતા આજદિન સુધી આ દીવાલ અંગે કોઈ નિરાકરણ લાવી શકાયું ન હતું. ઘોઘા ગામની સુરક્ષા દીવાલનો મામલો ભાવનગર જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા કલેક્ટર દ્વારા આ તમામ વિભાગોને સાથે રાખી એક કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી દ્વારા આ દીવાલ અંગેના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે ઘોઘાની સુરક્ષા દીવાલના સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ દીવાલ બનાવવા અંગે કામગીરી હાથ ધરવામાં આવશે.