- ચીન તેના પરમાણુ શસ્ત્રાગારો સતત વધારી રહ્યું છે
- ચીનમાં પરમાણુ મિસાઇલના સંગ્રહ માટેનું વધુ એક સ્થળ મળ્યું
- ચીન શિનજિઆંગ પ્રાંતમાં રણમાં 300 ચો.માઇલ વિસ્તારમાં મિસાઇલ બેઝ સ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે
નવી દિલ્હી: ચીન એવી અનેક હરકતો કરી રહ્યું છે જેને કારણે સમગ્ર દુનિયાનું ધ્યાન તેની તરફ ખેંચાય. ચીન તેના પરમાણુ શસ્ત્રાગારોનું સતત વિસ્તરણ કરી રહ્યું છે અને મોટી સંખ્યામાં પરમાણુ મિસાઇલોના સંગ્રહ માટેનું વધુ એક સ્થળ મળી આવ્યું છે. ચીન ઉત્તરીય શિનજિઆંગ પ્રાંતમાં હામી નજીક રણમાં 300 ચો.માઇલ વિસ્તારમાં ચીન પરમાણુ મિસાઇલ બેઝ માટે જંગી સ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે.
ચીન તેના પરમાણુ શસ્ત્રાગાર સતત વધારી રહ્યું હોવાનું સંશોધકોનું માનવું છે. ઉત્તરીય શિનજિઆંગ પ્રાંતમાં હામી નજીક રણમાં 110 સિલો વિકસાવી શકે છે અને પ્રત્યેક સિલોમાં પરમાણુ શસ્ત્રો વહન કરી શકતા ત્રણ મિસાઇલ મૂકી શકાય તેવી સંભાવના છે. સંશોધકોએ ચીનના યુમેન શહેરથી 300 માઇલ દૂર 120 સિલો બનાવી શકતું હોય તેવું એક સ્થળ શોધી કાઢ્યું છે.
ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટ્સના સંશોધકોએ જણાવ્યું હતું કે, યુમેન અને હામીમાં સિલોનું બાંધકામ સંકેત આપે છે કે, ચીન તેના પરમાણુ શસ્ત્રોમાં જંગી વધારો કરી રહ્યું છે. ગુપ્તચર સેટેલાઇટમાં વિશિષ્ટ ટેન્ટ ધરાવતા સ્થળ પર ગુપ્ત રીતે બાંધકામ ચાલી રહ્યું હોવાનું જણાય છે.
ચીને હાલમાં 100 મોબાઈલ લોન્ચ પેડ ઉપરાંત મિસાઈલ અને પરમાણુ શસ્ત્રોના સંગ્રહ માટે 20 સિલો બનાવ્યા હોવાનું મનાય છે. સંશોધકોનું માનવું છે કે ચીનમાં હાલ વિવિધ સ્થળો પર 250થી વધુ સિલો બાંધકામ હેઠળ છે. તેનો અર્થ એ છે કે ચીન તેના પરમાણુ મિસાઈલોની સંખ્યા ત્રણ ગણી કરી શકે તેવી શક્યતા છે.