ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના બીજા વેવ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. વેક્સિનેશનની કામગીરીમાં પણ ઝડપ લાવવામાં આવી રહી છે. બીજીબાજુ કોરોનાના સંભવિત ત્રીજા વેવના આગમન પહેલા જ સરકારે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના અંગેના દિશાનિર્દેશો ને 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા રાજ્ય સરકારોને પત્ર પાઠવીને કેટલીક ખાસ સુચના આપવામાં આવી છે અને સાથો સાથ દેશમાં આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો દરમિયાન ભીડ એકત્ર નહીં થવા દેવા માટે રાજ્ય સરકારોને ખાસ તાકીદ કરી છે અને તેની સામે આકરી ચેતવણી પણ ઉચ્ચારી છે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકોને એકત્રિત થતા અટકાવવા માટે રાજ્ય સરકારોએ નિયમોનું કડક પાલન કરાવવાનું રહેશે.
પત્રમાં એવી ખાસ તાકીદ કરવામાં આવી છે કે કોરોનાવાયરસ મહામારી હજુ સમાપ્ત થઈ નથી અને એટલા માટે બિન જવાબદારી પૂર્વક વર્તન કરવાની કોઈ જરૂર નથી અને તહેવારો દરમિયાન લોકોની ભીડ રોકવાનું કામ રાજ્ય સરકારોનું રહેશે. સાથોસાથ કેન્દ્રના ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતપોતાના જિલ્લાઓમાં સીરો સર્વે તાત્કાલિક કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા રાજ્ય સરકારોને એવી ખાસ સૂચના પણ આપવામાં આવી છે કે, ટેસ્ટિંગની પ્રક્રિયા તેમજ રસીકરણ આ અભિયાનને ઝડપી બનાવવાની જરૂર છે. ખાસ કરીને જે રાજ્યોમાં અને જે જિલ્લાઓમાં પોઝિટિવિટી દર વધી રહ્યો છે ત્યાં કોરોના નિયમોનું સખતમાં સખત પાલન કરાવવાનું રહેશે અને તેમાં કોઈપણ જાતની છૂટછાટ આપવાની જરૂર રહેતી નથી. સામાન્ય રીતે દેશમાં હવે તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે અને જાહેર કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય તેની ખાસ તકેદારી રાજ્ય સરકારોએ રાખવાની રહેશે કારણકે કોરોનાવાયરસ મહામારી ના બીજા સ્વરૂપો પણ ચિંતા કરાવી રહ્યા છે ક્યારે આવી સ્થિતિમાં કોઈ વધારે પડતી રાહતો આપવાની જરૂર રહેતી નથી.
(PHOTO-FILE)