- પેગાસસનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો
- 500થી વધુ લોકો અને સંગઠનોએ પેગાસસ મુદ્દે ન્યાયાધીશને દખલ કરવા અપીલ કરી
- NSO પાસેથી પેગાસસ સ્પાયવેરની ખરીદી તુરંત અટકાવવા પર પત્ર લખાયો
નવી દિલ્હી: ઇઝરાયલી સ્પાયવેર સોફ્ટવેર પેગાસસ દ્વારા દેશના અનેક રાજકારણી, પત્રકારો, કાર્યકરોની જાસૂસી મામલે સમગ્ર દેશમાં હોબાળો મચ્યો છે. વિપક્ષ પણ આ મુદ્દે સરકારને સતત ઘેરી રહી છે અને હવે પેગાસસ જાસૂસી વિવાદમાં 500થી વધુ લોકો અને સંગઠનોએ દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાને પત્ર લખીને દખલગીરી કરવા માટે અપીલ કરી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એન.વી. રમન્નાને ઇઝરાયલની કંપની NSO પાસેથી પેગાસસ સ્પાયવેરની ખરીદી તુરંત અટકાવવા પર પત્ર લખાયો છે.
વિવિધ મીડિયા અહેવાલોમાં પણ સ્પાયવેરના ઉપયોગ અંગેના સમાચારો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. CJIને પત્ર લખીને આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવાયું છે કે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ વિદ્યાર્થીઓ, શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો, પત્રકારો, માનવાધિકાર કાર્યકરો, વકીલ અને જાતીય સતામણીનો ભોગ બનેલી પીડિતાઓની જાસૂસી માટે કરાઇ રહ્યો હતો.
સુપ્રીમ કોર્ટને પત્ર લખનારાઓએ ડેટા સુરક્ષા અને પ્રાઈવસી પોલિસી તરફ પણ સીજેઆઈનું ધ્યાન દોર્યું છે. પત્રમાં કોર્ટના એક અધિકારીની કથિત જાસૂસીનો મુદ્દો પણ ટાંકવામાં આવ્યો છે, જેમણે તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. આ પત્ર પર અરૂણા રોય, અંજલી ભારદ્વાજ, હર્ષ મંદર જેવા સ્કોલર, વૃંદા ગ્રોવર, ઝુમા સેન જેવા વકીલોનો સમાવેશ થાય છે.