અમદાવાદઃ સોસાયટીઓના વિકાસ માટે AMC અને સ્થાનિક MLA કરશે આર્થિક સહાય
અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસના કામો ઝડપથી આગળ વધી રહ્યાં છે. હવે વિવિધ સોસાયટીના આગેવાનો સોસાયટીનો વિકાસ કરાવવા માંગતા હશે તો તેમને કોર્પોરેશન, સ્થાનિક ધારાસભ્ય-કોર્પોરેટર અને સરકાર આર્થિક સહાય કરશે. સ્વર્ણિમ જ્યંતિ યોજના અંતર્ગત સોસાયટીઓને વિકાસ માટે ગ્રાન્ટ આપવાનો કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં ખાનગી સોસાયટીને વિકાસ માટે ત્રણ ભાગ તરફથી ફંડ અપાશે. સોસાયટીના વિકાસ માટે અમદાવાદ મનપા, કોર્પોરેટર અને સરકાર મળીને ફંડનું વિતરણ કરશે. આમ 70-20-10નો ફોર્મ્યુલા લાગુ કરાશે. જેમાં 70 ટકા ખર્ચ રાજ્ય સરકાર, 20 ટકા ખર્ચ સ્થાનિક ધારાસભ્ય કે, કોર્પોરેટરની ગ્રાન્ટ અને 10 ટકા સોસાયટીના ફંડ તરફથી રહેશે. અન્ય ખર્ચ AMC બજેટમાંથી આપવામાં આવશે. જેની સમગ્ર સત્તા મનપા કમિશનર હસ્તક રહેશે. પ્રાઈવેટ સોસાયટીના વિકાસ માટે રોડ અને સીસીટીવી બ્લોક કાર્ય કોર્પોરેશન કરી આપશે. જો કે, સમગ્ર યોજના અંગે દરખાસ્તને સરકાર સમક્ષ રાખવામાં આવી છે.