અલંગમાં બ્રેકિંગ માટે આવેલું 10 માળની હોટલ જેવું ક્રૂઝ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ
ભાવનગરઃ કોરોના કાળ હવે સમાપ્ત થતા દેશ-વિદેશોના અનેક જહાજો અલંગમાં ભાંગવા માટે આવી રહ્યા છે. અલંગ શિપયાર્ડ અલંગ ખાતે પ્લોટ નં-120માં અદ્યતન સુવિધાઓથી સજ્જ પેસેન્જર ‘અલ્ટ્રોસ’ ક્રૂઝ પોતાની અંતિમ મંજિલે આવી પહોંચ્યું છે. દુનિયાના દરિયામાં તરતી જન્નત સમાન આ ક્રૂઝ સફરો ખેડ્યા બાદ અવધિ પૂર્ણ થતાં ક્રૂઝમાલિકે અલંગ ભાંગવા માટે વેચ્યું છે. ઘણા સમય બાદ અલંગમાં પેસેન્જર શિપ બ્રેકિંગ માટે આવતાં આ ક્રૂઝ લોકાર્ષણનું કેન્દ્ર બન્યું છે. અલંગમાં શિપબ્રેકિંગ સાથે જોડાયેલા વ્યવસાયકારોમાં પણ આ ક્રૂઝે ખાસ્સી ઉત્સુકતા જગાવી છે.
અલંગમાં ભાંગવા માટે આવેલા અલ્ટ્રોસ ક્રૂઝ નામના જહાજમાં કુલ 10 માળ આવેલા છે. દરેક માળ પર મુસાફરો માટે અલગ અલગ સુવિધાઓ છે. લક્ઝુરિયસ રેસ્ટરોરાં, સિનેમા, સ્વિમિંગ પૂલ, 2 ડાઇનિંગ રૂમ, 6 લાઉન્જ બાર, સ્પા, સલૂન, કેસિનો, બૂટિક, જિમ સહિતની અનેક સવલતો આવેલી છે. આ ક્રૂઝ 1973માં ફિનલેન્ડ ખાતે બનાવવામાં આવ્યું હતું. 177 મીટર લાંબું અને 25 મીટર પહોળા આ ક્રૂઝમાં 900 મુસાફરોની ક્ષમતા છે તથા 300 ક્રૂ-મેમ્બરો સામેલ થઇ શકે છે. એમાં 420 સ્ટેટ કક્ષાની કેબિનો આવેલી છે. એનું અગાઉ નામ અલ્બાટ્રોસ હતું. વર્ષ-2020માં એને મિડલ ઇસ્ટમાં તરતી હોટલના પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવ્યું હતું, જોકે બાદમાં એને સ્ક્રેપમાં વેચી દેવાનો નિર્ણય લેવાયો હતો.
અલંગમાં છેલ્લા 9 મહિનામાં કર્ણિકા, ગ્રાન્ડ સેલિબ્રેશન, માર્કોપોલો, કોલંબસ, મેગેલાન, સાલમી, મેટ્રોપોલિસ, લીઝર, વર્લ્ડ જેવાં જહાજ આવી પહોંચ્યાં છે. છેલ્લાં બે વર્ષમાં કોરોના મહામારીને કારણે અલંગ ખાતે શિપ ભંગાવવામાં ઘટોડો નોંધાયો હતો, છેલ્લા 9 માસમાં 9મું ક્રૂઝ અલંગની અંતિમ સફરે આવી પહોંચ્યું છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.120માં અલ્ટ્રોસ નામનું 10 માળનું લકઝુરિયસ ક્રૂઝ જહાજ ભંગાવવા માટે બીચ થયું છે.