ગુજરાતના આ હાઈવે પર હવે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાસે નહીં વસુલાય ટોલ ટેક્સ
અમદાવાદઃ વાસદ-તારાપુર-બગોદરા હાઈવે ઉપર હવે ટુ વ્હીલર અને ફોર વ્હિલર વાહનો પાસેથી ટોલ ટેક્સ વસુલવામાં નહીં આવે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાઈવેના નિરીક્ષણ દરમિયાન આ જાહેરાત કરતા હાઈવે ઉપરથી પસાર થતા હજારો વાહનોના ચાલકેનો ફાયદો થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મધ્ય ગુજરાતના આ હાઈવે ઉપર માત્ર માલવાહન ટ્રકો, ટ્રેલર સહિતના હેવી વાહનો પાસેથી જ ટોલ ટેક્સ વસુલવામાં આવશે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વાસદથી બગોદરા વચ્ચે તૈયાર થઈ રહેલા સિક્સ લેઈન રસ્તાનું તારાપુરથી વાસદ સેક્શનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તે બાદ જણાવ્યું હતું કે, 48 કિમીના આ પ્રોજેક્ટનું 95 ટકા કામ થયું છે. એકાદ મહિનામાં કામ પૂર્મ થઈ જશે. બગોદરાથી વટામણના બીજા પ્રોજેક્ટ સહિત વાસદ-બગોદરા હાઈવે 101 કિમીનો તૈયાર થશે. આ આખા માર્ગ ઉપર લગભગ 21 કિમીના ફ્લાઈ ઓવર બનાવવામાં આવશે. આમ દેશનો આ સૌપ્રથમ હાઈવે હશે કે જ્યાં 20 ટકા ફ્લાઈ ઓવર હોય. આ ઉપરાંત દરેક જંકશન, ઓવરબ્રિજ મળીને લગભગ અડધા રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈનની વ્યવસ્થા છે. આ માર્ગ ઉપર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે.