ટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય મહિલા હોકી ટીમની ગોલકીપર સવિતાને મળ્યું “ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા”નું બિરદુ
દિલ્હીઃ જાપાનના ટોક્યોમાં હાલ ઓલિમ્પિક ચાલી રહી છે. ભારતીય ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. દરિયાન ભારતીય મહિલા હોકી ટીમ ઓલમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાના પ્રશંસકોની સાથોસાથ વિરોધી ટીમના ફેન્સને પણ પ્રશંસક બનાવી દીધા છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોથી લઈને હાઇ કમિશ્નર સુધી, તમામ ભારતીય મહિલા હોકી ટીમના વખાણ કર્યાં છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઇ કમિશ્નર બૈરી ઓ ફેરેલે ભારતીય ટીમને શુભેચછા આપવાની સાથે ગોલકીપર સવિતા પૂનિયાને ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયાનું બિરદુ આપ્યું છે. સવિતા પૂનિયાએ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ ક્વાર્ટર ફાઇનલમાં 9 પેનલ્ટી કોર્નર બચજાવ્યાં હતા.
ભારતીય મહિલા ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પ્રથમવાર સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય મહિલા ટીમને ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કરતા ભારતના રાજકીય આગેવાનો સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો સહિતના મહાનુભાવોએ પણ ભારતીય મહિલા હોકી ટીમના વખાણ કર્યાં હતા. તેમજ ભારતીય મહિલા ટીમને શુભકામનાઓ આપી હતી.
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, શાબાશ ઓસ્ટ્રેલિયન ટીમ, તમે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને ભારતને પણ શુભેચ્છા, ગુડ લક. હોકી ઈન્ડિયાએ સવિતાની તસવીર પોસ્ટ કરી લખ્યું કે, વોલ (દિવાલ)ની નવી પરિભાષા…સોશિયલ મીડિયામાં પણ સવિતા પૂનિયાના જોરદાર વખાણ થઈ રહ્યા છે. હોકીના પ્રશંસક તેને ટીમની દિવાલ અને કવચ કહી રહ્યા છે. ભારતે મેચ જીત્યા બાદ સોમવારે દિવસભર સોશિયલ મીડિયામાં ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા સવિતા પૂનિયા ટ્રેન્ડ કરતું હતું. ભારતીય પુરુષ હોકી ટીમ પણ ઓલિમ્પિકમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે. ભારતને મહિલા અને પુરુષ હોકી ટીમ પાસે મેડલની આશા છે.