દેશમાં કોરોનાનો કહેરઃ કેરળ જ નહી દેશના અન્ય 13 રાજ્યમાં પણ વધી રહ્યા છે સંક્રમણના કેસ
- મીની થર્ડે વેવ- કેરળ સહીતના રાજ્યો ઝપેટમાં
- દેશની બીજા 13 રાજ્યોમાં વધ્યા કેસ
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઈ રહ્યો છે ત્યારે માત્ર કેરળમાં જ નહીં પરંતુ તેના પડોશી રાજ્યોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં દેશના 13 રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળ્યો છે. તમિલનાડુ એકમાત્ર રાજ્ય છે જ્યાં સંક્રમણના કેસોમાં કોઈ ફેરફાર થયો નથી.
ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં પણ વિતેલા અઠવાડિયાની સરખામણીમાં 26 જુલાઈ અને 1 ઓગસ્ટના અઠવાડિયા વચ્ચે નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં આ વધારો 64 ટકા જોઈ શકાય છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. અહીં નવા કેસ દરરોજ 670 થી વધીને 1 હજાર 100 નોંધાઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં પણ નવા કેસોમાં 61 ટકાનો વધારો થયો છે. જો કે, અહીં કેસ 272 થી વધીને 437 થયા છે.
જમ્મુ અને કાશ્મીરમાં પણ કોરોનાના કેસોમાં 26 ટકાનો વધારો નોંધાયો છે. દિલ્હીમાં, જ્યાં એક સપ્તાહમાં માત્ર 381 નવા કેસ નોંધાયા હતા, જે હવે 15 ટકા વધ્યા છે. ગયા અઠવાડિયે રાજધાનીમાં 440 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, પડોશી રાજ્ય હરિયાણામાં, કોરોનાના કેસોમાં 2 ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં કોરોનાના કેસોમાં સાપ્તાહિક વધારો ખૂબ વધ્યો છે. ગયા અઠવાડિયે રાજ્યમાં કોરોનાના 1.4 લાખ નવા કેસ નોંધાયા હતા. અહીં દરરોજ 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જેના કારણે કુલ કેસોમાં 27 ટકાનો વધારો થયો છે.