ATMમાં રૂપિયા કઢાવવા જતા લોકોને ઠગતી ટોળકી પકડાઈઃ 4 ગુનાનો ભેદ ઉકેલાયો
અમદાવાદઃ શહેરમાં એટીએમમાંથી રૂપિયા કઢાવવા જતાં સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ બનાવીને મદદ કરવાના બહાને છેતરપિંડી કરવાના બનાવો વધી જતાં પોલીસને આવા ગુનાઓ ઉકેલવાની પાલીસ કમિશનરે સુચના આપી હતી. આથી પોલીસે એટીએમમાં પૈસા ઉપાડવા માટે મદદના બહાને લોકોને લૂંટતી ટોળકીને ઝડપી લીધી છે. ત્રણ પૈકી બન્ને આરોપીનો ગુનાઈત ઇતિહાસ સામે આવ્યો છે. આરોપીઓ એટીએમમાં મદદના બહાને પહોંચતા હતા અને પછી એટીએમ કાર્ડ બદલી લોકોના પૈસા ઉપાડી લેતા હતા. આરોપીઓએ ચાર ગુના કબૂલ કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે, અનેક કેસમાં ફરિયાદ ન થઇ હોવાનું પણ પોલીસ જણાવી રહી છે. આરોપીઓ પાસેથી પોલીસે 13 એટીએમ કાર્ડ, 40 હજાર રોકડ અને 4 મોબાઈલ અને ઓટો રિક્ષા સહિત 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પાલીસ સૂત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા ઘોડાસરમાં ATMમાં પૈસા જમા કઢાવવા ગયેલી મહિલાને ખાતામાં પૈસા જમા ન થતા પાછળ ઊભેલી વ્યક્તિએ મદદ કરવાનું કહીને કાર્ડ બદલી 40 હજારથી વધુ રકમ ઉપાડી હતી. જેના CCTV સામે આવતા પોલીસને એક આરોપીની ઓળખ થતા ગોવિંદવાડી પાસેથી સમગ્ર ગેંગની ધરપકડ કરી હતી, જેમાં શ્યામ રાઠોડ, સમસુદ્દીન મન્સૂરી અને સતીશ રાઠોડનો સમાવેશ થાય છે. આ ત્રણેય શખસોએ શહેરના અનેક લોકોને મદદના નામે છેતર્યા છે. હાલ ઇસનપુર, કાગડાપીઠ અને માધુપુરામાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો છે. શ્યામ અને સમસુદ્દીને બાવળા, નડિયાદ તેમજ કલીકુંડથી અને ચાંગોદરથી આ પ્રકારે લોકોના એટીએમ બદલીને પૈસાની ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે આવા 50થી વધુ ગુના આરોપીઓએ આચર્યા છે પણ અનેક પોલીસસ્ટેશન માં ફરિયાદ નોંધાઈ નથી.