ગાંધીનગરમાં જુના સચિવાલયના બ્લોક નં-4માં વહેતી ગટર ગંગા અને ગંદકીનું સામ્રાજ્ય
ગાંધીનગર : પાટનગર ગાંધીનગર જૂના સચિવાયલ કેમ્પસમાં બ્લોક નંબર-4ની બીલકુલ પાછલ છેલ્લા લાંબા સમયથી ગટરના ગંદા પાણી વહી રહ્યાં છે. જેને પગલે અહીં કામ કરતાં કર્મચારીઓને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દુર્ગંધયુક્ત પાણીના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જે અંગે લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. બ્લોક નંબર-4માં સમાજ કલ્યાણ, કેન્દ્રીય ભંડાર, આરોગ્ય-તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ કમિશનર સહિતની કચેરીઓ આવેલી છે.
ગાંધીનગરના જુના સચિવાલયમાં ઉભરાતી ગટર અને પાણીના લાઈન લીકેજને પગલે અહીં લાંબા સમયથી આ સમસ્યા છે. જેને પગલે કર્મચારીઓને દુર્ગંધ યુક્ત વાતાવરણ વચ્ચે જ કામગીરી કરવાની ફરજ પડે છે. ગાંધીનગરના નવા અને જુના સચિવાયલમાં આવેલા વિવિધ વિભાગના માધ્યમથી આખા રાજ્યનો વહીવટ થાય છે. ત્યારે રાજ્યની સમસ્યાઓ નિવારતા સચિવાલયને પોતાની જ સમસ્યા ઉકેલવામાં પારવાર મુશ્કેલીનો સામાનો કરવો પડી રહ્યો હોવાની સ્થિતિ છે.
આ અંગે અવાર નવાર અનેકવાર રજુઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ કરાતો નથી. એક જમાનામાં મંત્રીઓની કચેરીઓ જીવરાજ મહેતા ભવન તરીકે ઓળખાતા જુના સચિવાલયમાં હતી. તત્કાલિન સમયે જુના સચિવાયલનું બિલ્ડિંગ અને તેનું કેમ્પસ ચોખ્ખું-ચણાક રખાતુ હતું. હવે જુના સચિવાયમાં માત્ર અધિકારીઓ બેસે છે. બ્લોક નંબર-4માં સમાજ કલ્યાણ, કેન્દ્રીય ભંડાર, આરોગ્ય-તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ કમિશનર સહિતની કચેરીઓ આવેલી છે. અને ત્યાં ગટરના પાણી ઊભરાય રહ્યા છે.