અમદાવાદઃ રાજ્યના આર્થિક પાટનગર ગણાતા મેગાસિટી અમદાવાદમાં ભીખારીઓની સંખ્યા વધતી જાય છે. શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ચાર રસ્તા, મૉલ-રેસ્ટોરન્ટની બહાર વગેરે સ્થળોએ ભિખારીઓ ભીખ માંગતા જોવા મળી રહ્યા છે. ઘણાં કિસ્સાઓમાં તો માતા-પિતા બાળકોને ભીખ માંગવા માટે મજબૂર કરતા હોય છે. નાના બાળકો શાળાએ જવાની ઉંમરમાં માતા-પિતા સાથે ભીખ માંગવા નીકળી પડે છે. આ રીતે તેઓ શિક્ષણથી દૂર રહે છે અને પછી શિક્ષણના અભાવે આજીવન ભીખ માંગવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે છે. હવે આગામી સમયમાં રોડ-રસ્તાઓ પર એકપણ ભીખારી જોવા નહીં મળે. કારણ કે કેન્દ્ર સરકારે એક યોજના બનાવી છે. ભીખારીમુક્ત શહેરોની યોજનામાં અમદાવાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તબક્કામાં સ્માઈલ યોજનાને દેશના દસ શહેરોમાં લાગુ કરવામાં આવશે. આ શહેરમોમાં અમદાવાદ સિવાય નાગપુર, બેંગ્લોર, મુંબઈ, લખનઉ, દિલ્હી, ઈન્દોર, ચેન્નાઈને શામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની સરકારને આદેશ આપ્યો છે કે રેલવે સ્ટેશન પર ભીખ માંગતા બાળકો પર પણ નજર રાખવામાં આવે. કારણકે આ બાળકો માનવ તસ્કરીનો ભોગ બનતા હોય છે. આ યોજનાને અમલમાં મુકવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લેવામાં આવશે.
કેન્દ્ર સરકારે દેશને ભિખારીમુક્ત બનાવવાની દિશામાં પહેલ કરી છે. ભિખારીઓ ભીખ માંગવાના સ્થાને આપમેળે કમાય અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે તે અંગે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે. સરકાર આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આત્મનિર્ભર બનાવવા માંગે છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા રાજ્યસભામાં આ મુદ્દે જાહેરાત કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા આવનારા સમયમાં સ્માઈલ યોજના લોન્ચ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ભિખારીઓના પુનર્વસનનું આયોજન કરવામાં આવશે. આ સિવાય તેમના બાળકોના આરોગ્ય અને શિક્ષણ બાબતે પણ યોગ્ય પગલાં લેવામાં આવશે. ભીખ માંગતા બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. સ્માઈલ યોજના અંતર્ગત ભિખારીઓના કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેથી તેઓ રોજગાર મેળવી શકશે.