નવસારી નજીક ટ્રેન ઉથલાવી પાડવાના કાવતરાનો પર્દાફાશઃ મોટી દુર્ઘટના ટળી
- પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
- માલગાડીના ડ્રાઈવરની સમયસૂચકતાથી દૂર્ઘટના ટળી
- રેલ વ્યવહારને થોડા સમય માટે રોકવામાં આવ્યો
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના નવસારી નજીક ટ્રેનને ઉથલાવી પાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક ઉપર લોખંડની એંગ્લો નાખી હતી. જો કે, અહીંથી પસાર થતી માલગાડીના ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દૂર્ઘટના ટળી હતી. આ અંગે તેણે તાત્કાલિક નજીકના રેલવે સ્ટેશનના માસ્તરને જાણ કરી હતી. જેથી અન્ય ટ્રેનને અટકાવવામાં આવી હતી. આ બનાવની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી નજીક ગાંધી સ્મૃતિ સ્ટેશન પાસે રેલવે ટ્રેક ઉપર અજાણ્યા શખ્સોએ લોખંડની એંગ્લ મુકી હતી. દરમિયાન બીજા ટ્રેક ઉપરથી પસાર થતી માલગાડીના ચાલકની રેલવે ટ્રેક ઉપર પડેલી લોખંડની એંગ્લ ઉપર નજર પડતા ચોંકી ઉઠ્યો હતો. તેમજ આ અંગે રેલવે સ્ટેશનના માસ્તરને તાત્કાલિક જાણ કરી હતી. જેથી રેલવેના અધિકારીઓ તાબડતોબ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ થોડા સમય માટે રેલ વ્યવહાર બંધ કરીને એંગ્લને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રેનના ડ્રાઈવરની સમયસૂચકતાના કારણે મોટી દૂર્ઘટના ટળી છે.
આ બનાવ અંગે વલસાડ રેલવે પોલીસે ગુનો નોંધીને અજાણ્યા શખ્સોને ઝડપી લેવા કવાયત આરંભી હતી. રેલવે ટ્રેક ઉપર એંગ્લ મુકીને ટ્રેનને ઉથડાવી મારવાના કાવતરાનો પર્દાફાશ થતા રેલવે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. કોઈ ટીકળખોરોનું આ કૃત્ય હોવાનું પોલીસ માની રહી છે.