સમરસતાને સ્વાનુભવો સાથે આત્મસાત કરાવતું અદભૂત પુસ્તક: “સમરસતા મારો પ્રયાસ” લેખકશ્રી: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
~ પ્રો.યજ્ઞાંગ રસજ્ઞ પંડયા
શુભોત્તમ સંગઠન મંત્ર ….
समानी व आकूति: समाना ह्रदयानि व:।
समानमस्तु वो मनो यथा व: सुसहासति॥
એટલે કે
“તમારો સંકલ્પ સમાન હો, તમારાં હૃદયો સમાન હો, તમારું મન સમાન હો, જેથી તમે સહુ પરસ્પર સહકાર સાધી શકો..!!”
સાથે ઉઘડે છે આ સુંદર મજાનું નાનકડું પણ અનુભવસિદ્ધ હકીકતો સાથે લખાયેલું સમાજમાં સમરસતાના ઉત્તમોત્તમ શુભભાવને નાના મોટા યુવાઓને સૌ કોઈના હૃદયમાં આજીવન સમરસતાને ધબકતી રાખવાના માટેના શુભ સંકલ્પ સાથે લખાયેલું આ અસરકારક પુસ્તક એટલે “સમરસતા મારો પ્રયાસ” આત્માનુભવોના એરણે લખાયેલું આ પુસ્તક એપ્રિલ 2016માં આપણી ગુજરાતની ગરવી ધરા પર સૌ પ્રથમ વાર શ્વસે છે તપસ ફાઉન્ડેશન નું સુંદર પ્રકાશન છે
સામાન્ય રીતે આપણને સૌને સામાન્ય નાગરિકોને એક બે ઉદાહરણોને ધ્યાનમાં રાખીને આપણાં રાજકિય આગેવાનો માટે એવી ખોટી ગ્રંથીઓ અને સંપૂર્ણતઃ ખોટી માન્યતાઓ હોય છે કે નેતાઓ એટલે ટીવીમાં બોલતા દેખાય , ઉદ્દઘાટનો કરે વાયદાઓ આપે થોડા પુરા કરે થોડા ના કરે લુચ્ચાઈ થી ભરેલા હોય આવી અનેક અનેક વાતો અવારનવાર તદ્દન બિન અભ્યાસુ ટોળાઓમાં બોલાતી સંભળાતી મળે ! પણ એક સંપૂર્ણ જનસ્વીકૃતિ સાથેના આગેવાન બનવું, નેતા બનવું અને આજીવન બની રહેવું એ કેટલું કપરું અને અઘરું કામ છે એ જોવા જાણવા સમજવા માટે આ આગેવાનોના જીવન નો અભ્યાસ કરવો રહ્યો ! અને એ સંદર્ભે આપણાં ગુજરાત રાજ્યના આદરણીય શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જી દ્વારા લિખિત “સમરસતા મારો પ્રયાસ” પુસ્તક વાંચવું રહ્યું જ. આપણે લીધેલો સંકલ્પ સામાન્ય રીતે 35 મિનિટ કે 35 દિવસ સુધી નથી જાળવી શકતા ત્યારે ધોળકા મતક્ષેત્રમાંથી વર્ષોથી ધારાસભ્ય તરીકે સતત ચૂંટાઈને આવતા ભૂપેન્દ્રસિંહ જી એ એકદમ ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર કેવું “સમરસતા” પ્રસ્થાપિત કરવા માટે સાતત્યસભર 35 વર્ષ તપ કર્યું છે એનો એમનાજ સરળ સહજ અને સાતત્યસભર શબ્દોમાં એમનો અનુભવોત્સવ આપણને એમના આ પુસ્તકમાં મળશે .મારી શિક્ષણ યાત્રામાં અનેક પુસ્તકો સાથે દોસ્તી કરવાનું મને સદભાગ્ય મળ્યું એ હરિકૃપા પણ મને આ પુસ્તકમાં એક નોખી અનોખી વાત લાગી તો એ છે
પુસ્તક નું મૂલ્ય સામાન્ય રીતે આવા પુસ્તકોનું મૂલ્ય “અમૂલ્ય” હોય છે પણ લેખક શ્રી એ આ પુસ્તકનું મૂલ્ય “સંકલ્પ અને આચરણ” રાખ્યું આહા લેખક શ્રીનો કેવો અંતરનો અદભૂત શુભભાવ ! પુસ્તક લેખકશ્રીની સમરસતા સભર સ્મૃતિઓથી વધુ જીવંત બને છે એમણે લખેલા અર્પણ તર્પણ અને દર્પણમાં એમના અંતરમાં રહેલું સમરસતા આચરણનું શુદ્ધત્વ છલકે છે આમતો ગાંધીજી, વિવેકાનંદજી, ડૉ હેડગેવારજી, ડૉ ભીમરાવ આંબેડકર, પંડિત દિનદયાળજી , પૂજ્ય માધવરાવ સદાશિવ ગોળવેલકરજી,માનનીય લક્ષ્મણરાવ ઇનામદાર કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એ સીંચેલા, ચીંધેલા માર્ગે સમાજમાં સમરસતા પ્રસ્થાપિત કરવી કેટલી અઘરી છે એનો જાત અનુભવ લેખકે ભરપૂર કર્યો છે અને એટલે જ લેખકશ્રી પુસ્તકમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સમરસતા પ્રસ્થાપિત કરવાના માર્ગે “પ્રારંભે એકલા…..પણ સમયના પ્રવાહમાં સમરસ યાત્રાને મળતું ગયું જનસમર્થન….” પુસ્તકની સુંદર શુભ શરૂઆત “સંકલ્પબીજ” થી થાય છે પુસ્તક એકદમ રસપ્રદ અને બોલકી ભાષામાં લખાયું છે શરૂઆત કંઈક આવી થાય છે ….મેં કહ્યું, “મારે તમારા ઘરની ચા જ પીવી છે.” જેઠા કાકા મારી સામું જોઈ રહ્યા તેમણે ફરી પૂછ્યું, “બાપૂ, દુકાનેથી કોલા, ફેંન્ટા કે સોડા મંગાવું.” મેં ફરીથી કહ્યું, “ના, મને કાકીના હાથની ચા પીવડાવો. તેમને કહો કે ચા બનાવે અને આપણે બંને સાથે ચા પીએ.” થોડીવારે એકદમ સાફ- સુથરા કપ રકાબીમાં ચા આવી. મેં સહજ ભાવે પીવાની શરૂઆત કરી. જેઠા કાકા ભીની આંખે જોઈ રહ્યા”…….બસ આગળ શું થયું એ માટે પુસ્તક વાંચવા અને સમરસતાને આત્મસાત કરવા માટે પ્રેમાગ્રહ ! ત્યાર બાદ આ સમરસતાના સંકલ્પનો શુભારંભ “પ્રારંભ”, “નૂતનવર્ષ નૂતન અભિગમ”, “સુવાસની વાટે વાટે…”, “મતની નહીં મનની ખેતી”, “સંબંધોની દઢતા”, “વૈષ્ણવજનતો તેને રે કહીએ” , “મહામાનવોનું સમરસતા દર્શન” જેવા સુંદર શીર્ષકો સાથે સમરસતાને લેખક શ્રી ભૂપેન્દ્રસિંહ જી પાને પાને એમના સ્વાનુભવો સાથેનો સુંદર તસવીરો સાથેનો પ્રેરણાપર્વ બનાવ્યો છે એની પ્રસન્નતા ! એક પ્રકરણમાં લેખકશ્રી વિધાનસભાની 1980 ની સાલમાં ચૂંટણી હાર્યા બાદ સુંદર અનુભવ લખે છે “14 એપ્રિલ, 1980. ધોળકા શહેરના દલિત વિસ્તારમા એકલો જ ‘જય ભીમ’ કહેવા નીકળ્યો. હવે તો ચૂંટણી હતી નહીં એટલે કોઈએ વિરોધ ન કર્યો પરંતુ આવકાર પણ ન આપ્યો અને હું હાસ્યાસ્પદ બન્યો, દરેક ગલી, મહોલ્લામાં ફર્યો – જય ભીમ જય ભીમ પણ કોઈ પ્રતિસાદ નહીં. મને થોડી પીડા જરૂર હતી પણ મારો આત્મવિશ્વાસ બુલંદ હતો. અંતરમાં એક વાત જરૂર હતી કે આવા કોઈ પણ કાર્યમાં શરૂઆતમાં વિરોધ હોય પછી ઉપહાસ અને અંતમાં સ્વીકૃતિ થતી હોય છે. શરૂઆતમાં મારો વિરોધ થયો જ, ઉપહાસ પણ થયો છે તો હવે મારો સ્વીકાર પણ થશે જ. આ શ્રદ્ધા સાથે “જય ભીમ” બોલતો ગયો….”
અને આ રીતે ચૂંટણી હાર્યા પછી પણ અહીં ધોળકાના લોકહૃદયને જીત્યા..!! આદરણીય ભૂપેન્દ્રસિંહજીની આ ખરેખર જાહેરજીવનમાં પોતાનું શ્રેષ્ઠ આપવા માટે સંકલ્પિત યુવાનો માટે બહુ જ પ્રેરણાસભર વાત છે આવા અનેક સ્વાનુભવો લેખકે પોતાની સરળ સહજ અને સુંદર કલમે પુસ્તકના પાને પાને કર્યા છે. પુસ્તકમાં ક્યાંક સ્વામી વિવેકાનંદજી ના દિવ્ય વિચારો માણવા મળશે તો ક્યાંક સંત જ્ઞાનેશ્વરના શબ્દોમાં નીતરતા “માર્ગાધારે વર્તાવે, વિશ્વ હે મોહરે લાવાવે અલૌકિક નોહાવે, લોકાંપ્રતી” આત્મીયભાવમાં તરબતર થવા મળશે. હાલના આપણાં દેશના પ્રધાન સેવક અને એ વખતના ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ માનનીય ભુપેન્દ્રસિંહજી ની આ સમરસતા તપની પ્રશંસા કરતા એક કાર્યક્રમમાં કહે છે કે “મારો સાથી આવું વ્રત કરીને સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડતો હોય તો મારે આવવું જ પડે, કદાચ કોઈ દલિત નેતાએ પણ આવું વ્રત નહીં રાખ્યું હોય” એકાદ બે વર્ષ હોય તો ઠીક છે પણ છત્રીસ છત્રીસ વર્ષ સુધી સમાજમાં સમરસતાને પોતાના સદકાર્યો દ્વારા સ્થાપિત કરીને એક વિરલ ઉદાહરણ પૂરું પાડ્યું આવા લેખક શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજીને “સમરસતા ના તપસ્વી” કહીએ તો પણ કંઈ અતિશયોક્તિ નથી !
છેલ્લે આ પુસ્તકમાંથી જ ગુજરાત સરકારના અધિકારી શ્રી ભાગ્યેશ જહા 14 એપ્રિલ 2015ની સાલમાં માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી સાથે ધોળકાના દલિતવાસની એક મુલાકાતને સાક્ષીભાવે એમના અનોખા શબ્દવૈભવ સાથે લખે છે કે…
“જનનાયકની જહેમત જાગે,
રાષ્ટ્રહિત અજવાળું જાગે,
અણુવ્રતોનું આ અજવાળું,
અંધારું ભાગે છે આ સઘળું,
ધૂળ ધોળકાની લખે છે,
રાષ્ટ્રભક્તિની ભાષા,
એ ભારતની આશા,
એ આજવાળું મેં આંખ ભર્યું,
હૈયું મારું ઘણું ઠર્યું….!!”
લેખકશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજીની આ પરમ વંદનીય અને અભિનંદનીય દિવ્ય ભાવના અને ભવ્ય વિચારધારા આ પુસ્તકના માધ્યમથી આવનારા સમયમાં અનેક યુવાઓને, સમાજ સેવકોને સૌ કોઈને અનંતકાળ સુધી માર્ગદર્શન આપતી રહેશે એની પૂરી શ્રદ્ધા !!