કાલે સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ, શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠશે
અમદાવાદઃ પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ આવતી કાલ સોમવારથી થઈ રહી છે. તમામ શિવ મંદિરો હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠશે. તમામ શિવાલયોમાં આ વર્ષે કોરોના કાળ દરમિયાન ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં મળે. અમદાવાદનાં મુખ્ય મંદિર જેવા કે કાશી વિશ્વનાથ, ચંદ્રેશ્વર મહાદેવ, કામેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ અને ચકુડિયા મહાદેવ અને ભાડજના લમ્બેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ કરવા નહીં મળે. દર વર્ષે શ્રાવણ મહિના પહેલા દિવસથી જ ભક્તોની ભારે ભીડ હોય છે. પરંતુ આ વર્ષે કોરોના નિયમો સાથે જ ભક્તોને મંદિરમાં પ્રવેશ મળશે.
પવિત્ર ગણાતા શ્રાવણ મહિનાનો આવતી કાલ સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. બાર મહિનામાં શ્રાવણ મહિનાનું પૂજા-અર્ચના માટે વિશેષ મહાત્મય છે. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શિવને જળ અને દૂધનો અભિષેક કરે છે મહા પૂજા અને રુદ્રી કરવામાં આવે છે આ વર્ષે શ્રાવણ માસમાં ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં મળે કે નહીં અભિષેક કે મહાપૂજા કરવામાં આવે. મંદિરો દ્વારા નિયમ લાવવામાં આવ્યો છે કે જે ભક્તોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તે ભક્તોને જ ગર્ભગૃહમાં પ્રવેશ મળશે અને તેમણે અભિષેક કરવા દેવાશે. આ સાથે સોમવારના દિવસે મહાદેવનો વિશેષ શણગાર કરાશે. બીલીપત્ર અને ફૂલ ચડાવવા માટેની પણ મનાઈ કરવામાં આવી છે. ગત શ્રાવણ મહિનામાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાયો ન હતો.
હિંદુ ધર્મમાં અમાસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. અન્ય રાજ્યોમાં 25 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થયો ગયો છે. ગુજરાતમાં 9 ઑગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થશે. જ્યોતિષ શાસ્ત્રી કિન્નરી દરજીના જણાવ્યા મુજબ, 8 ઓગસ્ટ 2021ના રોજ પુષ્ય નક્ષત્ર અને અમાવસ્યાનો શુભ સંયોગ છે. પુષ્ય નક્ષત્ર બધા જ નક્ષત્રોમાં રાજા ગણવામાં આવે છે. આ નક્ષત્રને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે.