પાલનપુર: ગુજરાતમાં આ વર્ષે ઉત્તર ગુજરાતમાં વરસાદની સારીએવી ઘટ છે જેમાં બનાસકાંઠામાં તો સીઝનનો માત્ર 25.89 ટકા જ વરસાદ પડ્યો છે. અને એટલે ખેડુતો ચિંતિત બન્યા છે. વરસાદની આશાએ જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું પણ વરસાદ ખેંચાતા ખેડૂતોનો મહામુલો પાક તેમની નજર સમક્ષ સુકાઈ રહ્યો હોવાથી જિલ્લા સહિત પાલનપુર પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે.
રાજ્યની સરહદે આવેલો બનાસકાંઠો જિલ્લો હંમેશા પાણીની તકલીફથી ઝુઝમી રહ્યો છે. જોકે નર્મદાની નહેર આવતા સરહદી વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા થોડે અંશે ઓછી થઈ હતી. જોકે જિલ્લાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત હોવાથી ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મોંઘી ખેડાઈ આપીને ચોમાસુ વાવેતર કર્યું હતું. જોકે વાવણી બાદ મોટાભાગના તાલુકાઓમાં નહિવત વરસાદ પડતાં અને વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. પાલનપુર તાલુકો ખેતી આધારિત છે મોટાભાગના ખેડૂતો ખેતી અને પશુપાલનના વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં પહેલેથી જ પાણીના તળ ખુબ જ ઊંડા ગયા છે તો આ વર્ષે પાલનપુર પંથકમાં ફક્ત 29.86 ટકા જ વરસાદ પડ્યો છે અને વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત પડતા ઉપર પાટુ જેવી થઈ છે. ખેડૂતોએ સારો વરસાદ થશે તેવી આશાએ મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેતર કર્યું હતું. પણ હવે પાણી વગર તેમનો મહામુલો પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જો વરસાદ નહિ આવે તો ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ જશે અને ખેડૂતો દેવાદાર બની જશે. જેથી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર આ વિસ્તારમાં સિંચાઇની કોઈ યોજના લાવે. જેથી જો વરસાદ ખેંચાય તો પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે અને તેમને નુકશાન વેઠવું ન પડે.