UNSC બેઠક: સમુદ્રી માર્ગે થતી ગુનાખોરી ડામવા માટે રશિયા પ્રતિબદ્વ: વ્લાદિમીર પુતિન
- UNSC બેઠક બાદ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બોલ્યા
- સમુદ્રી માર્ગે જોવા મળતી ગુનાખોરીને ડામવા રશિયા પ્રતિબદ્વ
- આંતરરાષ્ટ્રીય સ્તરે પારસ્પિક સહયોગ માટે પણ રશિયા તૈયાર
નવી દિલ્હી: ગઇકાલે એટલે કે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમુદ્રી સુરક્ષાના મુદ્દા પર ઑપન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક બાદ UNSCએ પ્રથમ વાર રાષ્ટ્રીય સુરક્ષા પર પોતાનું નિવેદન જારી કર્યું હતું. આ અંગે UNSCએ કહ્યું હતું કે, સુરક્ષા પરિષદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવાના હેતુસર સંયુક્ત રાષ્ટ્રની પ્રાથમિક જવાબદારીની પુષ્ટિ કરે છે. સાથે જ ચાર્ટરનાં ઉદ્દેશ્ય અને સિદ્વાંતને બનાવી રાખવા માટેની પ્રતિબદ્વતાની પુષ્ટિ કરે છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બાદ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, સમુદ્રી સુરક્ષમાં રહેલા પડકારો અને સમસ્યાઓ જેવા સંવેદનશીલ વિષય પર ચર્ચા કરવા તેમજ તેના નિરાકરણ માટે UNSCમાં બેઠકના આયોજન માટે હું ભારતના પીએમ મોદીનો આભાર માનું છું.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વધુમાં કહ્યું હતું કે, સમુદ્ર અને દરિયાઇ વિસ્તારોએ લોકો અને અનેક સંસ્કૃતિના જોડાણ અને સમન્વયમાં મહત્વની ભૂમિકા ભજવી છે. જો કે, આજે દુર્ભાગ્યપણે સમુદ્રી સુરક્ષા સામે અનેક ખતરાનો મંડરાઇ રહ્યા છે. તેથી જ આવા સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા કરવી અનિવાર્ય હોવાથી આ મુદ્દાની અમે લોકો સમીક્ષા કરી રહ્યા છીએ.
પુતિને સમુદ્રી માર્ગે થતી ગુનાખોરીને ખતમ કરવા માટે પ્રતિબદ્વતા દર્શાવી હતી અને કહ્યું હતું કે, રશિયા સમુદ્રી માર્ગે જોવા મળતી ગુનાખોરી, આતંકવાદને ડામવા માટે પ્રતિબદ્વ છે અને દરમિયાન માર્ગે વ્યાપાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સમાન સહયોગ માટે તૈયાર છે.
અગાઉ પીએમ મોદીએ જણાવ્યું હતું કે, સમુદ્રી વ્યાપારમાં સમસ્યાઓ દૂર કરવી આવશ્યક છે. આપણી સમૃદ્વિ દરિયાઇ વેપારના સક્રિય પ્રવાહ પર આધારિત છે અને આ માર્ગમાં અવરોધો સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર માટે પડકાર સાબિત થઇ શકે છે.
પીએમ મોદીએ કહ્યું, હું દરિયાઇ સુરક્ષા માટે 5 મૂળભૂત સિદ્ધાંતો આગળ રાખવા માંગુ છું. પ્રથમ- કાયદેસર વેપારની સ્થાપનામાં અવરોધો વિના મુક્ત દરિયાઇ વેપાર. બીજું, દરિયાઈ વિવાદો શાંતિપૂર્ણ રીતે અને આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે ઉકેલવા જોઈએ. પીએમ મોદીએ કહ્યું, મહાસાગરો આપણી ધરોહર છે અને આપણા દરિયાઈ માર્ગો આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. આ મહાસાગરો આપણા ગ્રહના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, કે કોઈ પણ દેશ એકલો દરિયાઈ સુરક્ષાના વિવિધ પાસાઓને સંબોધિત કરી શકતો નથી, યુએન સુરક્ષા પરિષદમાં આ મુદ્દા પર સર્વગ્રાહી રીતે વિચાર કરવો જરૂરી છે.