- અફઘાનિસ્તાનમાં તાલિબાનનો સતત વધતો કહેર
- અફઘાનિસ્તાનના ચાર પ્રાંત પર કર્યો કબ્જો
- મહિલાઓની હત્યા પણ વધી
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ તાલિબાની આતંકીઓ અનેક વિસ્તારમાં કહેર વર્તાવી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં કબ્જો જમાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર હવે અફઘાનિસ્તાનના ચાર પ્રાંતો પર તાલિબાનનો કબજો છે. તે સાથે જ તાલિબાની આતંકીઓનો અત્યાચાર પણ વધી રહ્યો છે.
તાલિબાનના જુલમ અને દમનનો મહિલાઓ સૌથી વધુ ભોગ બની રહી છે. અહીંયા મહિલાઓ જો જીન્સ કે ટાઇટ કપડાં પહેરીને ઘરની બહાર નીકળે તો તેની સીધી ગોળી ધરબી હત્યા કરી દેવામાં આવે છે.
આવી જ એક ઘટના સમર કાંદિયાનના ગામમાં બની હતી જ્યાં એક 21 વર્ષીય યુવતી ટાઇટ કપડાં પહેરીને બહાર નીકળી હતી, યુવતી પોતાની ગાડીમાં બેસવા જ જઇ રહી હતી ત્યાં તાલિબાની આતંકીઓએ તેની પર ગોળીઓ વરસાવી તેની હત્યા કરી નાંખી હતી.
પોલીસે દાવો કર્યો છે કે યુવતીએ બુરખો પહેર્યો હોવા છતાં તેની હત્યા કરી દેવામાં આવી છે. હાલ તાલિબાની આંતકીઓ બળજબરીપૂર્વક મહિલાઓ સાથે નિકાહ કરી રહ્યા છે જ્યારે યુવતીઓ ટાઇટકપડાં પહેરે તો તેની હત્યા કરી દેવામાં આવે છે.
બીજી તરફ નિમરોઝની રાજધાની તરાંજ પર શુક્રવારે તાલિબાની આતંકીઓએ કબજો કરી લીધો હતો. ત્યારે હવે વધુ બે પ્રાંત પર પણ તાલિબાને કબજો કરી લીધાનો દાવો કર્યો છે. જ્યારે સરકારે કહ્યું છે કે અમે આ રાજધાનીઓને ફરી હાસલ કરી લઇશું. રવિવારે સવારે જ ઉત્તરી હિસ્સાઓમાં સિૃથત કુંદૂજ અને સર-એ-પુલ પર તાલિબાને કબજો કરી લીધો હતો.
હાલ સમગ્ર અફઘાનિસ્તાનમાં અફરા તફરીનો માહોલ છે. બીજી તરફ કોંગ્રેસે માગણી કરી છે કે અફઘાનિસ્તાનમાં જ્યાં પણ સિૃથતિ તંગદીલ હોય ત્યાં રહેતા શીખ અને હિંદુઓને પરત ભારત લાવવામાં આવે.