ગુજરાતમાં 20 જિલ્લાઓ શૈક્ષણિકરીતે પછાત, સૌથી વધુ સૌરાષ્ટ્રના 7 જિલ્લાનો સમાવેશ
અમદાવાદઃ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. પણ શિક્ષણમાં હજુ પણ ગુજરાત નંબર વન બની શક્યું નથી. વિકસિત રાજ્ય ગણાતા ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓ એટલે કે 61 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. ઉત્તર ગુજરાતના તમામ ચાર જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. મધ્ય ગુજરાતમાં 3 જિલ્લાઓ જ્યારે દક્ષિણમાં 5 જિલ્લાઓ શૈક્ષણિક પછાત છે. રાજ્યમાં કુલ જિલ્લાઓમાં પછાત જિલ્લાઓની ટકાવારી મુજબ, રાજસ્થાનમાં 91 ટકા જિલ્લા શૈક્ષણિક પછાત છે. મધ્યપ્રદેશમાં 75 ટકા, તમિલનાડુમાં 71 ટકા, બિહારમાં 66 ટકા છે. ઉત્તરપ્રદેશમાં 56 ટકા છે. ગુજરાતની સ્થિતિ દેશમાં ટકાવારીમાં છઠ્ઠા ક્રમે છે. જોકે, ગુજરાતની સ્થિતિ ઉત્તરપ્રદેશ કરતાં ખરાબ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ની એક્સપર્ટ કમિટી દ્વારા દેશમાં કુલ 374 જિલ્લાઓને શૈક્ષણિક રીતે પછાત જિલ્લા તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. કમિટીએ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, કોલેજ-પોપ્યુલેશન રેશિયો, પ્રતિ કોલેજ સરેરાશ એનરોલમેન્ટ વગેરે જેવા પેરામીટરને આધારે આ જિલ્લાઓની ઓળખ કરવામાં આવી હતી. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓ એટલે કે 61 ટકા જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે, જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અને સુરેન્દ્રનગર તેમજ મધ્ય ગુજરાતમાં દાહોદ, ખેડા, પંચમહાલ, તથા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, નર્મદા તેમજ કચ્છનો સમાવેશ થાય છે.