અંકલેશ્વરમાં હવે ભારત બાયોટેક કંપનીને વેક્સિન ઉત્પાદન માટે કેન્દ્ર સરકારની મંજૂરી
અમદાવાદઃ કોરોનાના કેસ કાબુમાં આવી ગયા બાદ સરકારે વેક્સિન ઝૂંબેશ હાથ ધરીને વધુને વધુ લોકોનું વેક્સિનેશન થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. હવે ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેક કંપનીને વેક્સિન ઉત્પાદન માટે ભારત સરકારે મંજુરી આપી છે. કેન્દ્રિય આરોગ્ય પ્રઘાન મનસુખ માંડવિયાએ મંગળવારે ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોવેક્સિન બનાવવાની ઉત્પાદન ફેસેલીટીને ભારત સરકારે મંજુરી આપી છે. આમ હવે અંકલેશ્વરમાં પણ ભારત બાયોટેકની કોવેક્સિનનુ ઉત્પાદન શરુ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેડિલા ઝાયડસ કંપની અને તાજેતરમાં જ સૌથી વધુ અછત ઊભી થયેલ રેમડેસિવિર ઇન્જેક્શનનું રો મટીરિયલ પણ અંકલેશ્વરમાં તૈયાર થાય છે. આ ઉપરાંત ગ્લેનમાર્ક કંપની પણ કોરોનામાં ઉપયોગી દવાનું ઉત્પાદન કરે છે. હવે અંકલેશ્વરમાં ચિરોન બેહરિંગ વેક્સિન પ્રાઇવેટ લિમિટેડ પણ જોડાઈ છે અને ટૂંકમાં કોવેક્સિન વેક્સિનનું ઉત્પાદન કરશે.
ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જેએમડી સૂચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી ચિરોન બેહરિંગ કંપનીમાં વેક્સિન ઉત્પાદન શરૂ કરશે. ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે. હાલમાં હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટે પાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. અંકલેશ્વર સ્થિત સબસિડરી ચિરોન બેહરિંગ વેક્સિનની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદનક્ષમતા છે. યુનિટ એન્ટીરેબિઝની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.
અંકલેશ્વરની ચિરોન બેહરિંગ વેક્સિન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટેબીઝ નામની હડકવાની રસીનું ઉત્પાદન કરતી હતી. કંપની ભારત બાયોટેક કંપનીની સબસિડરી ચિરોન બેહરિંગ વેક્સિન કંપની હોવાથી હવે તેઓ દ્વારા કોરોના સામે જંગમાં કોવેક્સિનનું પણ ઉત્પાદન આગામી સમયમાં અહીંથી કરશે.