મેઘરાજા રિંસાયા, ખરીફ પાકને બચાવવા ખેડુતોની મથામણ, વીજ માગમાં રેકોર્ડબ્રેક વધારો
અમદાવાદઃ અષાઢ મહિનાની વિદાય અને શ્રાવણ મહિનાના આગમન બાદ પણ હજુ મેઘરાજા વરસતા નથી. આકાશમાં ઘટાટોપ વાદળો તો ગોરંભાય છે, અને ઘોઘમાર વરસાદ તૂટી પડશે એવો માહોલ પણ સર્જાય છે. પણ મેઘરાજા વરસતા નથી. વરસાદ ન પડવાને કારણે ઉષ્મામાનમાં પણ વધારો થયો છે. ખેડુતો વરસાદની ચાતકની જેમ રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ રાજ્યના 80 ડેમમાં માંડ 20 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે. જ્યારે 4 ડેમના તળિયાઝાટક છે. આ સ્થિતિમાં રાજ્યમાં વીજળીની માંગમાં ધરખમ વધારો થયો છે. વરસાદ નહીં થતાં ખેતરમાં પાકની સિંચાઈ માટે ખેડૂતોએ બોર અને કૂવામાંથી વીજળીને સહારે પાણી કાઢીને ઊભો પાક બચાવવા સિંચાઈ કરવી પડી છે. રાજ્યમાં 9મી ઓગસ્ટે વીજળીની માંગ 19019 મેગાવોટ પર પહોંચી હતી. જે અત્યાર સુધીની સૌથી વધુ વીજ ખપત હતી. જો કે એ પછી 10મી ઓગસ્ટે મહત્તમ વીજમાંગ 18 હજાર 758 મેગાવોટ રહી હતી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે ઓગસ્ટ 2020ના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં 78 એમ.એમ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વખતે માત્ર 6 એમ.એમ વરસાદ નોંધાયો છે. જ્યારે ઓગસ્ટ 2019ના પ્રથમ સપ્તાહમાં 186 એમ.એમ તથા ઓગસ્ટ 2018ના પ્રથમ સપ્તાહમાં 4.13 એમ.એમ વરસાદ નોંધાયો હતો. આ સ્થિતિમાં ખેડૂતોએ વાવેલો ઉભો પાક સડી જવા અથવા તો સુકાઈ જવાની દહેશત ઊભી થઈ છે. જેથી પાકને બચાવવા માટે ખેડૂતોએ બોર અને કૂવામાંથી વીજળીનો ઉપયોગ કરીને પાણી બહાર કાઢીને પાકને સિંચાઈ માટે વાપર્યું છે. બીજી તરફ વરસાદ નહીં થવાથી ગરમીનું પ્રમાણ વધતાં લોકોએ પણ ઘરમાં વીજળીની વધુ ખપત કરી છે. જો કે એ પછી ગત વર્ષે કોરોના મહામારી અને સરેરાશ દોઢસો ટકા જેટલા અતિ ભારે વરસાદને કારણે વીજમાગ ખાસ્સી ઓછી રહી હતી. રાજ્યમાં 6471 મેગાવોટની સ્થાપિત ક્ષમતાવાળા પવન ઊર્જાના એકમોમાંથી 893 મેગાવોટ અને 3703 મેગાવોટની સ્થાપિત ક્ષમતાવાળા સોલાર ઉર્જાના એકમોમાંથી 579 મેગાવોટ વીજળી મેળવાઈ રહી છે. સરકારી 6902 મેગાવોટની ક્ષમતાવાળા એકમોમાંથી માંડ 2468 મેગાવોટ વીજળી મળી રહી છે. બાકીની 15 હજાર મેગાવોટ વીજળીની જરૂરિયાત સંતોષવા માટે ખાનગી એકમો તથા પાવર એક્સચેન્જમાંથી વીજળી ખરીદાઈ રહી છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અગાઉ 2020ના વર્ષમાં કોરોનાના કારણે વીજળીની ડિમાન્ડમાં કોઈ નવો રેકોર્ડ સર્જાયો નહોતો. જો કે હવે 2021માં ધીરેધીરે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હોવાથી વીજળીની નવી રેકોર્ડબ્રેક ડિમાન્ડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઓફિસો, દુકાનો, મોલ અને રેસ્ટોરન્ટ હવે નવી અનલોક પ્રક્રિયામાં ફરીવાર શરૂ થઈ રહ્યાં છે. બીજી તરફ બફારો અને ઉકળાટ પણ વધી રહ્યો છે. જેના કારણે વીજળીની માંગ વધી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોને વીજળી પર આધાર રાખવો પડ્યો છે. તે ઉપરાંત રાજ્યમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી ગયું હોવાથી રહણાંક અને વાણિજ્ય વપરાશ માટેની વીજળીની માંગ પણ ધરખમ રીતે વધી છે