અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત બન્યા છે. અને ખરીફ પાકને બચાવવા માટે કૂવા અને બોરમાંથી પાણી ખંચીને સિંચાઈ કરી રહ્યા છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, 17મી ઓગસ્ત બાદ ગુજરાતમાં મેઘરાજનું ફરી આગમન થશે. જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સારોએવો વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની ફરીવાર શરૂઆત થશે. ત્યાર બાદ તબક્કાવાર મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ આગળ વધશે. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં રાજ્યમાં ચોમાસાનો ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે, પરંતુ ફરીવાર વેટ સ્પેલ પણ આવશે. આગામી સમયમાં રાજ્યમાં સારા વરસાદની સંભાવનાઓ નકારી શકાય એમ નથી. રાજ્યમાં અત્યારસુધીમાં 46 ટકા વરસાદની ઘટ છે. પણ 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની પુનઃ શરૂઆત થશે.
રાજ્યમાં જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે જેનાથી ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે. આગામી એક અઠવાડિયા પછી ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને વરસાદનું કમબેક થશે.ઉપરાંત 17 ઓગસ્ટ પહેલાં પાંચ દિવસ વરસાદી ઝાપટા, જ્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડે તેવી હવામાને આગાહી કરી છે. રાજ્યમાં વરસાદના લાંબા વિરામ વચ્ચે હવે હવામાન વિભાગે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી આગાહી કરી છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી છે. છેલ્લા બે અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે, જેના લીધે લગભગ 46 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વરસાદની ઘટ વર્તાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધી માત્ર 254 mm જેટલો વરસાદ પડ્યો છે.