ભુજઃ કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત ગુજરાત ઘેટા-ઊન વિકાસ નિગમની કચેરીમાં ખાલી પડેલી જગ્યાઓના કારણે આ નિગમનો જાણે સંકેલો કરવાની તૈયારી હોવાની દહેશત કચ્છના માલધારીઓએ વ્યક્ત કરી હતી. છ લાખ ઘેટા-બકરાની વસતી ધરાવતા.કચ્છના ઘેટાપાલક માલધારીઓએ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી.
કચ્છમાં ઘેટા-ઊન વિકાસ નિગમ દ્વારા ઘેટાંઓને પ્રાથમિક સારવાર તથા વેકિસનેશનની મફત કામગીરીની સેવાથી ઘેટાઓની સંખ્યા વધીને કચ્છમાં છ લાખ જેટલી થઈ છે. જે રાજ્યમા પ્રથમ છે. ઘેટાની સંખ્યા વધતાં ઘેટાંના ભાવ, ઊન ઉત્પાદન, ખાતર કિંમત વધુ મળતાં ઘેટાંપાલકોની આર્થિક સ્થિતિ સારી થઇ છે, જે નિગમને આભારી છે. છેલ્લા ચાર વર્ષથી ધીરે-ધીરે કર્મચારી ઘટ થતાં નિગમની પ્રવૃત્તિ બંધ થઇ છે અને નિગમ બંધ થવાના આરે છે. ઘેટાપાલકો મોટા ભાગના અભણ-અજ્ઞાન હોવાથી રજૂઆત કરી શકતા નથી.
નિગમ બંધ થાય તો ઘેટાપાલકોને મોટો આર્થિક ફટકો પડશે તેવો ભય વ્યક્ત કરાયો હતો.નાયબ પશુપાલન નિયામક જગ્યા-1′ ખાલી છે. વિસ્તરણ અધિકારી જગ્યા-1 ખાલી છે, સિનિયર કલાર્ક જગ્યા-1 ખાલી છે, જુનિયર કલાર્ક જગ્યા-2 ખાલી છે, પટાવાળા જગ્યા-1 ખાલી છે. ઘેટા વિસ્તરણ કેન્દ્રો જિલ્લા કચ્છમાં ક્ષેત્રિય મદદનીશની જગ્યા 24 છે, જેમાંથી માત્ર એક જ જગ્યા ભરાયેલી છે, ઘેટા વિસ્તરણ કેન્દ્રો જિલ્લા કચ્છમાં શેફર્ડ (ભરવાડ)ની જગ્યા 24 ખાલી છે. વળી નાના લાયજા ફાર્મ (માંડવી) 89 એકર, મેરાઉ ફાર્મ (માંડવી)મા 30 એકર, માનકૂવા ફાર્મ (ભુજ)માં 25 એકર અને મુંદરા ફાર્મ 10 એકર જગ્યા ખાલી પડી છે તેવું માલધારીઓએ જણાવ્યું હતું. નિગમની પ્રવૃત્તિ માત્ર બે કર્મચારી દ્વારા કરવામાં આવે છે.’જેથી નિગમની તમામ પ્રવૃત્તિઓ બંધ થઇ ગઇ છે. ફરી નિગમને ધમધમતું કરવા ઘેટાપાલકોના હિતમાં નિગમની સેવા ચાલુ કરાવવા માગણી કરાઇ હતી.’