લો બોલો, 12 હજારની ઠગાઈ કેસમાં પોલીસથી બચવા માટે ફરાર આરોપી બન્યો સાધુ
અમદાવાદઃ સુરતમાં લગભગ 26 વર્ષ પહેલા રૂ. 12 હજારની છેતરપીંડીના કેસમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. ચોંકાવનારી વાત એ છે કે, ઠગાઈ બાદ પોલીસથી બચવા માટે આરોપી સાધુ બનીને નામ પણ બદલી નાખ્યું હતું. તેમજ રાજ્યના વિવિધ મંદિરોમાં રહેતો હતો. આરોપી વર્ષમાં એક વાર પોતાના વતન ભાવનગર જતો હતો. દરમિયાન પોલીસે તેને ભાવનગરથી ઝડપી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં વરાછા બરોડા પ્રિસ્ટેજ પાછળ લુંગીવાળાની ચાલમાં રહેતા મનજીભાઈ પરષોત્તમભાઈ પટેલ વર્ષ 1995માં ટી.વી, વીડિયો અને કેસેટો ભાડે આપવાનો ધંધો કરતા હતા. તેમની દુકાનમાં ઓપરેટર તરીકે ભોળા નાથાભાઈ પટેલ (રહે, વીરડી, ગારીયાધાર, ભાવનગર) નોકરી કરતો હતો. દરમિયાન તેણે દુકાનના માલિક સાથે રૂ. 12 હજારની છેતરપીંડી કરી હતી. આ અંગે મનજીભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તેને ઝડપી લેવા કવાયત આરંભી હતી.
દરમિયાન સુરતથી ભાગીને આરોપી ભાવનગર જતો રહ્યો હતો. પોતાના ગામની આસપાસના ગામમાં રહીને મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. જો કે, પોલીસના ડરના કારણે તેણે નામ બદલીને ભાવેશગીરી રાખીને ભાવનગરથી નીકળી ગયો હતો. તેમજ રાજ્યના વિવિધ શહેરો-નગરોમાં ફરતો હતો અને મંદિરમાં જ રોકાતો હતો. એટલું જ નહીં વર્ષમાં એકવાર પોતાના વતન જતો હતો. દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે લગભગ 26 વર્ષ બાદ તેને ઝડપી લીધો હતો. તેણે પોલીસ તપાસમાં કરેલી કબુલાતથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી.