અમદાવાદઃ શહેરમાં વાદળછાંયા વાતાવરણને લીધે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મ્યુનિ. દ્વારા વિવિધ વિસ્તારમાં કરવામાં આવેલી તપાસમાં પણ 27 વિસ્તારમાં મહત્તમ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતા એડિસ મચ્છરોનો ઉપદ્રવ હોવાનું જોવા મળ્યું છે. તેની ડેન્સિટી પણ વધારે જોવા મળી છે. જેમાં અમરાઇવાડીમાં ડેન્સિટી 2.25, ખાડીયામાં 2 અને શાહીબાગમાં પણ 2 ડેન્સિટી મળી આવી હતી.
અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના હેલ્થ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં મેલેરિયા અને ઝેરી મેલેરિયા ફેલાવતાં મચ્છરોનું પ્રમાણ ચાંદલોડિયા, વટવા, રામોલ, ગોતા, ભાઇપુરા, ખોખરા જેવા વિસ્તારમાં મહત્તમ છે. શહેરમાં આ ઉપરાંત તમામ પ્રકારના મચ્છરોનું પ્રમાણ જોઇએ તો થલતેજ, જોધપુર, નિકોલ, ચાંદલોડિયા, અસારવા અને વેજલપુરમાં 3.25, બાપુનગર, વસ્ત્રાલ, જમાલપુર, શાહીબાગમાં 3.75, ગોતામાં 5.5, રાણીપ, અસારવા અને સાબરમતીમાં 3, રામોલમાં 5.75 અને અમરાઇવાડીમાં 8.25 ડેન્સિટી જોવા મળી હતી. કેટલાક સમયથી મચ્છરોનો ઉપદ્રવ છે, વિવિધ વિસ્તારમાં મચ્છરોની ડેન્સિટી માપવામાં આવી હતી. જેથી કયા વિસ્તારમાં મચ્છરજન્ય કયો રોગ વકર્યો છે તે જાણી શકાય તેમજ તેને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય ઉપાય કરી શકાય. શહેરમાં જુલાઇ મહિનાના અંત સુધીમાં જ સાદા મેલેરિયાના કુલ 202, ઝેરી મેલેરિયાના 13, ડેન્ગ્યુના 140 અને ચિકનગુનિયાના 162 કેસ નોંધાયા છે.
મ્યુનિ. દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કેટલાક મકાનો નક્કી કરીને ત્યાં કેટલા મચ્છરો છે તે જોવામાં છે. તેને આધારે તે વિસ્તારમાં મકાનોમાં કેટલા મચ્છરો હોઇ શકે તેનો અંદાજ લગાવામાં આવે છે. જેથી જે વિસ્તારમાં 1.25 ડેન્સિટી આવે ત્યાં લગભગ મોટાભાગના ઘરોમાં આટલી સંખ્યામાં મચ્છરો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. ડેન્ગ્યુને નાથવા માટે જુલાઇ મહિનામાં મ્યુનિ.એ 1934 નાગરિકોના સીરમ સેમ્પલ લેવાયા હતા. તેમજ મચ્છરોના બ્રીડિંગ શોધવા માટે 626 કન્સ્ટ્રકશન સાઇટની તપાસ કરી 15 લાખનો ચાર્જ વસૂલ્યો હતો. 386 કોમર્શિયલ એકમોની તપાસ કરી 6 લાખનો ચાર્જ વસૂલ્યો હતો. તથા 560 હોટેલ- હોસ્પિટલની તપાસ કરી 4.51 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.