ધો.12 રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ કાલે સોમવારે જાહેર કરાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 રિપીટર વિધાર્થીઓની પરીક્ષાનું પરિણામ આવતી કાલે એટલે કે 16 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 રિપીટર વિધાર્થીઓનું પરિણામ આવતી કાલે સવારે 8 વાગ્યે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈડ પર જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધો.12 રિપીટર વિદ્યાર્થીઓનું આવતીકાલે સોમવારે પરિણામ જાહેર કરવાની માહિતી રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. વિધાર્થી પોતાનો બેઠક નંબર નાખી ઓનલાઇન પોતાનું પરિણામ જોઈ શકે છે. વિધાર્થીઓને માર્કશીટ આગામી સપ્તાહમાં મળી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાને લીધે ધો.12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું પણ રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું નહતું. રિપીટર વિદ્યાર્થીઓએ પણ માસ પ્રમોશનની માગણી કરી હતી. પણ સરકારે મક્કમ બનીને તમામ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી. અને પરીક્ષામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. રિપીટર પરીક્ષાર્થીઓનું પરિણામ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જે આવતીકાલે સોમવારે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સમયસર કોલેજોમાં પ્રવેશ મેળવી શકે તે માટે સમયસર પરિણામ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.