કેરળમાં કોરોનાનો કહેર – કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યની લેશે મુલાકાત
- કેરળમાં કોરોનાનો કહેર
- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કેરળની મુલાકાત લેશે
- કોરોનાની સ્થિતિનું કરશે નિરિક્ષણ
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની બીજી લહેર તદ્દન ઘીમી પડેલી જોઈ શકાય છે, જો કે આવી સ્થિતિમાં પણ કેરળની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે.કેરળમાં વધતા કોરોનાના કેસો ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે આજ રોજ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કેરળની મુલાકાત લેનાર છે.
કેરળમાં કોરોના વધતા જતા કેસના ભયને લઈને મંત્રી માંડવિયાએ કેરળની મુલાકાતે જવાનું નક્કી કર્યું છે. લગભગ બે અઠવાડિયા પહેલા આરોગ્ય મંત્રીએ કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે કોરાનાની સ્થિતિ અંગે વાતચીત પણ કરી હતી.
કોરોના મહામારીને પહોંચી વળવા રાજ્ય સરકારનો સાથ સહયોગ માંગતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીને વિજયનને પત્ર લખીને વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવા માટે વધુ સક્રિય પગલાં લેવા માટેની અપીલ કરી હતી.
કેરળમાં જો કોરોનાના કેસોની વાત કરવામાં આવે તો અહી 30 લાખ જેટલા કેસ જોવા મળે છે જેમાંથી 18 હજારથી પણ વધુ લોકો મોતને ભેટ્યા છે. આ સાથે જ વિતેલા દિવસને રવિવારના રોજ અહીં નવા 18 હજાર 500થી વધુ કેસો નોંધાતા ચિંતા વધી રહી છે. એક જ દિવસમાં 100થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે રવિવારે રાજ્યમાં અંદાજે 20 હજાર જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા હતા તેની સાથે જ સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 34 લાખ 92 હજાર 367 થઈ ચૂકી છે.
હાલમાં જો કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ તો અહીં હાલ,1 લાખ 78 હજાર 630 એક્ટિવ કેસો જોવા મળે છે જેમની કોરોનામાં હોસ્પિટલ અથવા ઘરમાં સારવાર ચાલી રહી છે,ત્યારે હવે રવિવારે જે રીતે આંકડો જોવા મળી રહ્યો છે તે ખરેખર ચિંતા સર્જે છે જેને લઈને આજરોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેરળની મુલાકાત લેનાર છે, આ સમયગાળા દરમિયાન કેરળના મુખ્યમંત્રી વિજયન અને કેરળના આરોગ્ય મંત્રી જ્યોર્જને મળશે