ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના બીજો વેવની વિદાય બાદ હવે શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થઈ રહ્યો છે. ધો. 9થી12 સુધીની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે રાજ્યમાં ટૂંક સમયમાં પ્રાથમિક શાળાના વર્ગો પણ શરૂ થઈ રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોનાને કારણે બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી છે.
રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ રાજ્ય સરકાર પણ ફરી પ્રાથમિક શાળાઓ શરૂ કરવા વિચારણા કરી રહી છે. રાજ્યમાં ધોરણ 9થી 12 અને કોલેજો શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ પ્રાથમિક શિક્ષણની શાળાઓ શરૂ કરવામાં આવી નથી. આ મુદ્દે મુખ્યમંત્રીના નિવાસ્થાને શિક્ષણ વિભાગની બેઠક મળી હતી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા પણ આ બેઠકમાં હાજર હતા. સરકાર બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી કોઈ મહત્વનો નિર્ણય લઈ શકે છે. ધોરણ 9 થી 12ના વર્ગો તેમજ કોલેજો શરૂ કરાયા બાદ હવે પ્રાથમિકના વર્ગો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર લે તેવી શક્યતા છે. તજજ્ઞો મુજબ રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવાનો નિર્ણય અને જે ગાઈડલાઈન જાહેર કરાઈ એ મુજબ પ્રાથમિકના વર્ગો હવે શરૂ કરવા જોઈએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે એવી શક્યતા અનેક લોકોએ વ્યક્ત કરી છે. ત્રીજી લહેર અને એમાં પણ બાળકો જો સપડાય તો અમે તમામ વ્યવસ્થા કરી રાખી છે પરંતુ સદનસીબે સિવિલ હોસ્પિટલમાં અત્યારે એકપણ કોરોના પોઝિટિવ બાળક સારવાર માટે દાખલ નથી. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં કોરોનાના કેસો ઘટ્યા છે, સરકાર પણ યોગ્ય પગલાં લઈ રહી છે. આ સ્થિતિમાં હવે જો પ્રાથમિકના વર્ગોના શરૂ થાય તો કઈ વાંધો આવે એવું લાગતું નથી. કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે, આવશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે એવામાં આપણે સૌએ સામાન્ય જીવન તરફ આગળ વધવું જ પડશે.