1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા જરૂરિયાત પ્રમાણે સિંચાઈ માટે પાણી અપાશે

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા જરૂરિયાત પ્રમાણે સિંચાઈ માટે પાણી અપાશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં મેઘરાજાએ રિસામણા કરતા ખેડુતો ચિંતિત બન્યા છે. રાજ્યમાં 90 ટકા વાવેતર પૂર્ણ થઈ ગયું છે. હવે વરસાદ ખેંચાતા ખેડુતો ખરીફ પાકને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓએ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી.  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો છે, જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના 56 જળાશયોમાં તા.30 સપ્ટેમ્બર-2021 સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

જળસંપત્તિ વિભાગના સચિવએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

તદઅનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 141 પૈકી 36 ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરેલું છે. સૌરાષ્ટ્રના 79 ડેમોમાંથી 1,48,200  એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલમાં 23 ડેમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. જેમાં જામનગર જિલ્લાના ઉંડ-1, સસોઇ, પન્ના, આજી-4, ફૂલઝર-1, ફૂલઝર-2, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-3, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ 13 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કર્યુ છે.  જ્યારે રાજકોટ જિલ્લામાં આજી-2, આજી-3, અને ન્યારી-2, ડેમમાંથી પાણી આપવાનું શરૂ કર્યું છે.  મોરબી જિલ્લાના બ્રાહ્મણી-1, ડેમી-1, ઘોડાધ્રોઇ અને ડેમી-2, ડેમમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાંથી પાણી આપવાનું શરૂ કર્યું છે.

આ ઉપરાંત પોરબંદર જિલ્લાના સોરઠી અને  દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડી-2 ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે,  ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમમાં પીવાનું પાણી આરક્ષિત રાખ્યા બાદ 37050 એકર વિસ્તારને બે પાણ આપવાનું આયોજન કર્યુ છે. આ અંગે આ વિસ્તારની માંગણી આવ્યેથી પાણી આપવાનું શરૂ કરવામાં આવશે.   એટલું જ નહિ, મધ્ય ગુજરાતમાં કુલ 13 ડેમોમાંથી 5,18,700 એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કર્યું છે. આ આયોજન પૈકી કડાણા જળાશયમાંથી મહી કમાન્ડ વિસ્તારમાં 6000 ક્યુસેક્સ પાણી સિંચાઇ માટે આપવામાં આવી રહ્યું છે. તેમજ પાનમ, કરાડ, વઢવાણા, વાત્રક, મેશ્વો, હાથમતી, કરજણ, સુખી, દેવ, પાટાડુંગરી, એદલવાડા ડેમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલીયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને 4,69,300 એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કર્યું છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને ગોરધા વીયરમાંથી પાણી આપવામાં આવી રહયું છે.  આમ, સમગ્રતયા ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં મુખ્યમંત્રીના મહત્વના નિર્ણય અનુસાર જે વિસ્તારમાં સિંચાઇના પાણીની માગણી આવેલ છે તે વિસ્તારમાં ઊભા પાકને બચાવવા માટે 39 જળાશયોમાંથી સાડા નવ લાખ એકર જેટલા વિસ્તાર માટે પાણી આપવામાં આવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code