Scam Alert! Whatsapp પર આ રીતે મેસેજ મોકલીને હેકર્સ તમારું બેંક એકાઉન્ટ કરી શકે છે સાફ, આ રીતે સ્કેમથી બચો
- હવે વોટ્સએપમાં આવ્યું છે નવું સ્કેમ
- વોટ્સએપમાં આવ્યું છે ડિલીવરી સ્કેમ
- અહીંયા આપેલી ટિપ્સથી સ્કેમથી બચો
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અને લૉકડાઉન બાદ સાઇબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે. તેવામાં હવે વોટ્સએપમાં ડિલીવરી સ્કેમ જોવા મળી રહ્યું છે જેને લઇને સિક્યોરિટી રિસર્ચરે ચેતવણી આપી છે. સાયબર ચોર વોટ્સએપના માધ્યમથી મેલેશિયસ લિંક વાળા મેસેજ મોકલે છે અને યૂઝર્સને તેમના ઑનલાઇન ઓર્ડર વિશે સૂચિત કરે છે. આ બાદ નિર્દોષ લોકો આ જાળમાં ફસાઇ જાય છે અને પૈસા ગુમાવી બેસે છે.
રશિયાની સિક્યોરિટી રિસર્ચરે પેકેજ ડિલીવરી સ્કેમ વિશે ચેતવણી આપી છે. તેમણે ખુલાસો કર્યો છે કે, આ ચોરો ઑનલાઇન ડિલીવરી કંપનીઓના અધિકારીઓના સ્વાંગમાં સામે આવે છે અને પછી તે યૂઝર્સને એક પેકેજ વિશે જાણકારી આપે છે જે તેમને ઘર સુધી ડિલીવર થાય છે. અપરાધીઓ યૂઝર્સને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મેસેજ સાથે આવેલી લિંક પર ક્લિક કરવા માટે કહે છે. બાદમાં પેકેજ ઘર સુધી પહોંચી ગયું છે તે સુનિશ્વિત કરવા માટે એક નાનું પેમેન્ટ કરવા માટે કહેવામાં આવે છે.
અજાણ્યા એડ્રેસ પરથી આવેલા ઇમેલને ઓપન ન કરો.
ક્યારે પણ એવી કોઇ લિંક પર ક્લિક ન કરો કે જેની વેબસાઇટ વિશે તમને ખબર ન હોય.
કોઇ પણ અજાણી વેબસાઇટ કે એપ દ્વારા તમારી ખાનગી વિગતો માંગવામાં આવે તો ન આપવી.
મેસેજમાં આવેલી કોઇ પણ લિંકને ઓપન કરવા પહેલા ચકાસણી કરી લો.
કોઇ પણ કંપની કે બેન્કના અધિકારી બનીને તમારી પાસે પેમેન્ટ ડિટેલ માંગે તો આપવી નહી.
જો તમે સાઇબર ક્રાઇમનો ભોગ બની ગયા છો તો તરત જ ફરિયાદ નોંધાવો.
જ્યારે પણ તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવા અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી સામાન ખરીદો છો તો તમારો ઓર્ડર ક્યાં પહોંચ્યો એ માટે તમારી એપમાં એક ટ્રેકર હોય છે. જેનાથી તમારી પ્રોડક્ટ ક્યાં પહોંચી તે વિશે ખબર પડે છે. કોઇપણ કંપની તમને ડિલીવરી સુનિશ્વિત કરવા માટે પહેલા પેમેન્ટ કરવાનું નથી કહેતી. જો તમે કેશ ઑન ડિલીવરી સિલેકટ કર્યું છે તો પણ નહીં.