લો બોલો, હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચોટાલાએ 87 વર્ષની ઉંમરે આપી ધો-10ની પરીક્ષા
• અંગ્રેજી વિષયની આપી પરીક્ષા
• ધો-12ની પરીક્ષાનું પરિણામ અટકાવાયું
• JBT શિક્ષક ભરતી પ્રકરણમાં તાજેતરમાં જ થયા જેલમુક્ત
દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચોટાલાએ ધો-10ની અંગ્રેજી વિષયની પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ તેમણે દાવો કર્યો હતો કે, મે પેપરની પૂરી તૈયારીઓ કરી હતી અને 100 ટકા માર્કસ સાથે પાસ થઈશ.
પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા ધો-10ની પરીક્ષા આપી હતી જો કે, અંગ્રેજી વિષયની પરીક્ષા આપી શક્યો ન હતો. આ પેપરની પૂરી તૈયારીઓ કરી હતી અને વિશ્વાસ છે કે, 100 ટકા માર્કસ સાથે આ પેપરમાં પાસ થઈશ.
સિરસાના આર્ય સમાજ રોડ ઉપર આવેલી આર્ય કન્યા સિનિયર સેન્કેડરી સ્કૂલમાં બનેલા પરીક્ષા કેન્દ્ર પહોંચેલા ચોટાલાએ જણાવ્યું હતું કે, ધો-12ની પરીક્ષા આપી છે પરંતુ ભિવાની શિક્ષા બોર્ડે તેમનું પરિણામ અટકાવી રાખ્યું છે. ધો-10માં અંગ્રેજી વિષયમાં પાસ નહીં હોવાથી પરિણામ અટકાવવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
રાજયની રાજકારણ અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આજે હું એક વિદ્યાર્થી છું રાજનેતા નહીં કહીને જવાબ આપવાનું ટળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓમપ્રકાશ ચોટાલા હરિયાણાના જેબીટી શિક્ષક ભરતી પ્રકરણમાં જેલની સજા ભોગવી હતી. તાજેતરમાં જ તેઓ સજા પુરી થતા જેલમાં મુક્ત થયાં છે. જે બાદ હરિણાયામાં રાજકીય પકડ મજબુત બનાવવાના પ્રયાસો ચોટાલા કરી રહ્યાં છે.