ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો બીજો કાળ પૂર્ણ થઈ ગયો છે. હવે માત્ર છૂટા-છવાયા ગણ્યાં-ગાંઠ્યા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાનો બીજો કાળ સૌના માટે કપરો રહ્યો. જેમાં કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન દર્દીઓની સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર અને વ્યવસ્થાઓ પાછળ રાજ્ય સરકાર દ્વારા 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. પટેલે ઉમેર્યું હતું કે, અન્ય રાજ્યો દ્વારા કોવિડ દર્દીઓની સારવાર માટે જીએસટી કાઉન્સિલ પાસે મદદ માગવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારે ક્યારેય કાઉન્સીલ પાસે મદદ માંગવી પડી નથી. ગુરાત સરકારને પેટ્રોલ-ડિઝલ અને જીએસટીથી 80 ટકા આવક થાય છે.
અમદાવાદ ખાતે રાજ્ય વેરા ભવનના નવા મકાનના લોકાર્પણ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યની કુલ આવકના 70થી 80 ટકા આવક જીએસટી અને પેટ્રોલ- ડિઝલ પર લાગતા વેટમાંથી થાય છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પ્રથમ છ માસમાં જીએસટી અને વેટની આવકમાં વધારો થયો છે. કોરોનાના શરૂઆતના સમયમાં લોકડાઉનને કારણે રાજ્યનું પરિવહન ઠપ્પ થવાથી પેટ્રોલ અને ડિઝલના ટેક્સમાંથી થતી આવકમાં ઘટાડો થયો હતો જે આ વર્ષે પૂર્વવત થયો છે. કોરોના મહામારી દરમિયાન કેટલાક પ્રોજેક્ટ અને યોજનાકીય ખર્ચ ઉપર નિયંત્રણો મૂકાયા હતા જે હવે હટાવી લેવાયા છે. હાલમાં 1.50 લાખ કરોડના પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાત જીએસટી વિભાગ દ્વારા કોરોનાકાળમાં 1 હજાર કરોડની કરચોરી પકડી છે ત્યારે હવે કરચોરી શોધવા અને બોગસ બિલિંગના કેસમાં કાર્યવાહી કરવા માટે જીએસટી એનાલિટીક્સ એન્ડ ઇન્ટેલીજન્સ નેટવર્ક ટૂલનો ઉપયોગ શરૂ કરાયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા કરચોરી કરતા કરદાતાઓ શોધીને ખરીદ વેચાણના વ્યવહારોની સંપૂર્ણ ચેઇનનો ગ્રાફિક્સ ઇનપૂટ મળે છે અને બોગસ બિલિંગના કેસો પણ શોધી શકાય છે. કરચોરીની સંભાવનાવાળા વાહનો શોધવા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.