કેન્દ્ર સરકાર 6 લાખ કરોડનું ભંડાળ એકઠું કરવા સંપત્તી વેચશે તો કોંગ્રેસ વિરોધ કરશેઃ મોઢવાડિયા
અમદાવાદઃ કેન્દ્ર સરકારે સરકારી સંપત્તીઓ વેચીને આગામી 4 વર્ષમાં રૂપિયા 6 લાખ કરોડ (81 અબજ ડોલર)નું ભંડોળ એકત્રિત કરવાની યોજના તૈયાર કરી છે. જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. કે, દેશની ભાજપની ભાગીદારીવાળી પહેલી કેન્દ્ર સરકારે સોનું ગીરવે મૂકીને દેશને અધોગતિમાં ધકેલ્યા બાદ દેશની રૂ. 6 લાખ કરોડની મહામુલી સંપત્તિ વેચવા કાઢી છે. કેન્દ્ર સરકારે કોંગ્રેસની સરકારોએ કરકસર કરીને ઉભી કરેલી અબજોની સરકારી સંપત્તિ તેમજ દર વર્ષે અબજો રૂપિયા કમાવી આપતા જાહેર સાહસોની સંપત્તિ પોતાના મુડીપતિ મિત્રોને પધરાવવાનું કાવતરું કર્યું છે.
મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટે સામાન્ય રીતે દેશ માટે નવા મહત્વના પ્રોજેક્ટ કે લોકોપયોગી યોજનાઓની જાહેરાત કરવામાં આવતી હોય છે, પરંતુ કેન્દ્રના નાણામંત્રીએ રૂ. 6 લાખ કરોડની રાષ્ટ્રીય સંપત્તિ વેચાણ માટે મૂકવાની જાહેરાત કરી દીધી. આ વેચાણ માટે મુકેલી સંપત્તિમાં રૂ. 1.6 લાખ કરોડના રસ્તા, રૂ. 1.5 લાખ કરોડના 400 રેલ્વે સ્ટેશન તથા 150 ટ્રેન, રૂ. 67 હજાર કરોડની પાવર ટ્રાન્સમિશન લાઈન, રૂ. 24 હજાર કરોડની ગેસ પાઈપલાઈન, રૂ. 32 હજાર કરોડના વીજ ઉત્પાદક એકમો, રૂ. 20 હજાર કરોડની ઓઈલ પાઈપલાઈન, રૂ. 39 હજાર કરોડના બીએસએનએલના કેબલ નેટવર્ક તથા ટાવરો, રૂ. 32 હજાર કરોડના માઈનીંગ પ્રોજેક્ટ, રૂ. 34 હજાર કરોડના 21 એરપોર્ટ તથા મેજર પોર્ટ્સ, રૂ. 11 હજાર કરોડના 2 રમતગમતના સ્ટેડીયમનો સમાવેશ થાય છે. અગાઉ એરઈન્ડિયા, એલઆઈસી અને ભારત પેટ્રોલિયમ વેચવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો જ છે.
તેમણે વધુમાં કહ્યું કે, લોકકલ્યાણને વરેલી સરકારો સામાન્ય રીતે જનતા માટે ઉપયોગી માળખાકીય વ્યવસ્થાઓ ઉભી કરતી હોય છે. કોંગ્રેસની સરકારોએ રેલ્વે, રોડ, શૈક્ષણિક તથા વૈદ્યકીય સંસ્થાઓ-દવાખાના, બંદરો, એરપોર્ટ, જાહેર સાહસો, સંશોધન સંસ્થાઓ ઉભી કરી હતી. કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? એવો પ્રશ્ન પૂછનારાઓને વડાપ્રધાને લાલ કિલ્લા ઉપરથી જ જવાબ આપી દીધો કે વર્તમાન ભાજપ સરકાર જે સંપત્તિઓ મુડીપતિ મિત્રોને પધરાવી રહી છે તે તમામ મહામુલી સંપત્તિનું સર્જન કોંગ્રેસની સરકારોએ જ કર્યું હતું.