ભારત-પાકિસ્તાન તણાવ ઓછો કરવાની દિશામાંઃ 28 મહિના બાદ રાજદ્વારીઓને વિઝા જારી કર્યા
- ભારત-પાકિસ્તાન વચ્ચનો ઘટશે તણાવ
- 28 મહિના બાદ રાજદ્વારીઓને વિઝા જારી કર્યા
દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન સાથે મતભેદ ચાલી રહ્યા છે ત્યારે હવે ભારત અને પાકિસ્તાને લગભગ 28 મહિના પછી એકબીજાના રાજદ્વારીઓને નવા વિઝા આપ્યા હતા. આ વિઝા વિવિધ પ્રકારના કામ માટે 15 માર્ચ 2021 સુધી મળેલી અરજીઓના આધારે આપવામાં આવ્યાછે. એવું માનવામાં આવી રહ્યું છે કે સંબંધોમાં તણાવ ઓછો કરવાના હેતુથી આ પગલાં લેવામાં આવ્યા હતા.
ભારતે સાત પાકિસ્તાની રાજદ્વારીઓને અને પાકિસ્તાને 33 જેટલા ભારતીય અધિકારીઓને વિઝા આપ્યા છે. મળતી માહિતી અનુસાર આવનારા દિવસોમાં વધુ વિઝા આપવામાં આવી શકે છે. 2019 માં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા પુલવામા ફિદાયીન હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. કહેવાય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં દુબઈમાં બેકચેનલ ડિપ્લોમસી અંતર્ગત વાતચીત બાદ તણાવ ઓછો કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં બંને દેશોની સેનાએ ગોળીબાર રોકવા માટે સંયુક્ત જાહેરાત કરી હતી, જ્યારે માર્ચમાં પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ કમર જાવેદ બાજવાએ ભારતને ભૂતકાળ ભૂલીને સહકારની વાત કરવાની વિનંતી કરી હતી.