અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા વર્ચસ્વ વચ્ચે G-7ની બેઠક યોજાઇ, આ 5 મુદ્દાઓ પર પ્લાન ઘડાયો
- અફઘાનિસ્તાન મુદ્દે G-7ની યોજાઇ બેઠક
- G-7માં આ 5 મુદ્દાઓ પર ચર્ચા થઇ
- અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારોને લઇને પણ બેઠકમાં થઇ હતી ચર્ચા
નવી દિલ્હી: કાબુલમાં તાલિબાન પોતાની ટૂંક સમયમાં નવી સરકારની જાહેરાત કરી શકે છે. બીજી તરફ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને લઇને મંગળવારે જી-7 દેશોની મહત્વની બેઠકો થઇ. આ બેઠકમાં 5 મુદ્દાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
આ પાંચ મુદ્દા પર યોજના બનાવાઇ છે.
પહેલો મુદ્દો -અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા
બીજો મુદ્દો – માનવતાના આધારે અફઘાનના લોકોને મદદ કરવી
ત્રીજો મુદ્દો – આતંકનો ભોગ બનેલા લોકોને મદદ કરવી
ચોથો મુદ્દો – અફઘાનિસ્તાનના લોકોને કાનૂની માર્ગથી સુરક્ષિત સ્થળે પહોંચાડવા
પાંચમો મુદ્દો – અફઘાનિસ્તાનની નવી સરકાર સાથે ડીલ કરવાની સુસ્પષ્ટ નીતિ બનાવવી
બીજી તરફ તાલિબાને 31 ઑગસ્ટ સુધીમાં વિદેશી સેનાઓને અફઘાનિસ્તાન છોડવા જણાવી દીધુ છે. આ નિવેદનને તાલિબાનની ચેતવણી તરીકે જોવાઇ રહ્યું છે.
મંગળવારે તાલિબાનનું ગનતંત્ર, તાલિબાની રાષ્ટ્રપતિની રેસ અને જી-7માં મંથન એટલે કે પહેલું તો એ કે અફઘાનિસ્તાન પર તાલિબાનો કસાતો સકંજો, બીજુ, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના મુખિયાને લઈને ચાલી રહેલો બેઠકનો અંતિમ દોર, ત્રીજુ અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજને લઈને જી-7ની ઈમરજન્સી બેઠક.
તાલિબાનની ચેતવણી છતાં કાબુલથી જે તસવીરો સામે આવી રહી છે તે જોતા એક વાત તો સ્પષ્ટ છે કે, અફઘાનિસ્તાનમાં 31 ઑગસ્ટ બાદ પણ નાટો સેના હાજર રહેશે. આ બધા વચ્ચે કાબુલમાં તાલિબાનના ટોપ લીડર મુલ્લા બરાદર સાથે અમેરિકી ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટરની મુલાકાત થઇ હતી. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ બાઇડેન પ્રશાસન તેમજ તાલિબાન વચ્ચે આ પહેલી ઉચ્ચ સ્તરની બેઠક છે.
આપને જણાવી દઇએ કે, સીઆઈએએ જ 2010માં જાસૂસી કરીને પાકિસ્તાનમાં મુલ્લા બરાદરની ધરપકડ કરાવી હતી. આજે એ જ બરાદર સાથે સીઆઈએના ચીફ બેઠક કરી રહ્યા છે.
વિશ્વની સાત મોટી શક્તિઓ એટલે કે યુકે, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકાએ અફઘાનિસ્તાનની સાંપ્રત પરિસ્થિતિને લઇને બેઠક યોજી હતી. જી-7માં આમ તો આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચા થાય છે પરંતુ આ વખતે અફઘાનિસ્તાન પર ચર્ચા થઇ હતી.
બેઠકમાં તાલિબાનને અધિકૃત માન્યતા આપવી નહીં. મહિલાઓના મળતા અધિકારોની ગેરંટીને સુનિશ્વિત કરવી. તાલિબાનને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા માટે બાધ્ય કરવું તેમજ તાલિબાન પર કેટલાક પ્રતિબંધો લાગૂ કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.