ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીને ગાંધીનગર ખસેડાશેઃ સરકારે 100 એકર જમીન અને 260 કરોડ ગ્રાન્ટ ફાળવી
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી (જીટીયુ) હાલ ચાંદખેડામાં કાર્યરત છે. તેને આગામી દિવસોમાં ગાંધીનગરના લેકાવાડા ખાતે ખસેડાશે. આગામી ત્રણ–ચાર મહિનામાં ખાતમૂહૂર્ત કરવામાં આવે તેવી શકયતા છે.સરકાર દ્રારા જીટીયુને ગાંધીનગરના લેકાવાડા ખાતે 100 એકરની જમીન નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. તેના બાંધકામ માટે પિયા 260 કરોડની ગ્રાંન્ટ પણ મંજૂર કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. જીટીયુ હાલ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કાર્યરત છે. યુનિનું વડું મથક ગાંધીનગરમાં લઈ જવાની ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી. સરકારે ગાંધીનગરના લેકાવાડ પાસે 100 એકર જમીન ફાળવીને અને નવા બાંધકામ માટે રૂપિયા 260 કરોડની ગ્રાન્ડ પણ મંજુર કરી છે. જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ૩ વર્ષની સમય મર્યાદામાં જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નવું તૈયાર થતું કેમ્પસ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (ગૃહ) અનુસાર સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે. જેમાં 17 થી વધુ ભવનોની સ્થાપના કરવામાં આવશે. જેમાં સ્કૂલ આફ એન્જિનિયરીંગ , ફાર્મસી , મેનેજમેન્ટ , ઉપરાંત એડમીન બિલ્ડિંગ, પરીક્ષા ભવન અને ડેટા સેન્ટર , ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ , અધતન સેન્ટર લાઈબ્રેરી , કુલપતિ અને કુલસચિવના બંગ્લોઝ , કલાસ –૨ અને ૩ કેટેગરીના સ્ટાફ કવાર્ટસ , કાફેટેરીયા , ફાર્મસીની રિસર્ચ સંબધિત એનિમલ હાઉસ આ ઉપરાંત તમામ કર્મચારીઓને સવલત મળી રહે તે હેતુસર એટીએમ અને પોસ્ટ ઓફિસની સુવિઘા પણ પૂરી પાડવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવતું નવું કેમ્પસ અંદાજીત 5000થી વધુ વૃક્ષોથી આચ્છાદિત હશે. જેમાં લીંમડો, પીપળો , વડ, બોરસલી , ગુલમહોર, આંબલી વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત 2000 સ્કેવર મીટરના ક્ષેત્રફળમાં આયુર્વેદિક ઔષધિ પ્લાન્ટનું પણ વાવેતર કરવામાં આવશે. જેમાં અરડૂસી , અશ્વગંધા , આમળા , ગીલોય , જાંબુ વગેરે જેવા ઔષધિય છોડનું પણ વાવેતર કરવામાં આવશે. 100 ટકા શુદ્ધ અને પ્રદૂષણમુકત પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તે માટે કોમન પાર્કિગ રખાવીને સમગ્ર કેમ્પસમાં પરિવહન માટે અઢી કિમીનો સાયકલ ટ્રેક બનાવવામાં આવશે. આ ઉપરાંત વિવિધ ભવનો પર 18000 સ્કેવર મીટરના ક્ષેત્રફળ પર સોલાર પેનલ લગાવીને સમગ્ર કેમ્પસ સોલર લાઈટથી સંચાલિત કરાશે. જેનાથી પુન:પ્રાપ્ય ઉર્જા ક્રોતનો ઉપયોગ સવિશેષ પ્રમાણમાં કરીને ગ્રીન હાઉસ ઈફેકટસ અને અન્ય પ્રકૃત્તિને નુકસાનકારક પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાશે. આ સમગ્ર કેમ્પસનું બાંધકામ એક જ સમયમાં બાંધવામા આવશે. વધુમાં વિધાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે અધતન ઓડિટોરીયમ અને સ્પોટર્સ સ્ટેડિયમ બનાવવામાં આવશે.