- અફઘાનિસ્તાનના હિંદુ અને શીખો જવા માંગે છે કેનેડા
- આ જ કારણોસર ભારત પરત લાવવાની કાર્યવાહી લંબાઇ રહી છે
- 70 થી 80 અફઘાન શીખ અને હિંદો ભારત પરત જવા નથી માંગતા
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન અને વર્ચસ્વ બાદ હવે ભારત સરકાર પોતાના નાગરિકોની સાથોસાથ અફઘાનિસ્તાનના હિંદુ અને શીખ નાગરિકોને પણ પાછા લાવી રહી છે.
જો કે અહીંયા સમસ્યા એ ઉભી થઇ રહી છે કે ઘણા હિંદુઓ અને શીખો ભારતમાં પણ નહીં પણ અમેરિકા અને કેનેડામાં આશ્રય લેવા માંગે છે અને આ જ કારણોસર શીખ અને હિંદુ નાગરિકોને પાછા લાવવાની કાર્યવાહીમાં વિલંબ થઇ રહ્યો છે.
આ અંગે ઇન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનિત સિંહ ચંધોકનું કહેવું છે કે, અફઘાનિસ્તાનના ગુરુદ્વારા કર્તે પરવાનમાં મોજુદ 70 થી 80 અફઘાન શીખ અને હિંદો ભારત પરત જવા નથી માંગતા, તેમને અમેરિકા અને કેનેડા જવુ છે. આ લોકો બીજા નાગરિકોને અહીંયાથી બહાર કાઢવાની કાર્યવાહી પણ વિલંબ કરી રહ્યા છે.
અમેરિકા અને કેનેડા જવાની ઘેલછામાં તેઓ બે વાર ભારતની ફ્લાઇટ છોડી ચૂક્યા છે. એ પણ ત્યારે કે ભારત સરકાર અહીંના લોકોને ઉચ્ચ કક્ષાની સુવિધા અને સવલતો પૂરી પાડે છે.
અફઘાનિસ્તાનમાં રોકાયેલા એક નાગરિકે કહ્યું હતું કે, ભારતમાં નોકરીની તકો ઉપલબ્ધ ના હોવાથી અમેરિકા અને કેનેડા જવા માટે નાગરિકો વધુ તૈયાર છે અને અહીંના કેટલાય લોકો ભારત ગયા બાદ પાછા આવી ગયા હતા અને બીજા દેશોમાં જતા રહ્યા હતા.
એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે, શીખ સંગઠનોએ અફઘાનિસ્તાનમાં મોજુદ હિન્દુ અને શીખોને બહાર કાઢવા માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી છે. જોકે 100 લોકો એરપોર્ટ સુધી પહોંચ્યા હતા પણ તેમને આ ફ્લાઈટમાં બેસવા મળ્યુ નથી.