IIT ગાંધીનગરઃ અસરકારક, પર્યાવરણને અનુકૂળ અને પારદર્શક એન્ટિ-વાયરલ સરફેસ કોટિંગ વિકસાવ્યું
અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો હાલ કોરોનાની મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે.તેમજ વાયરલ ચેપ અને તેનું સંક્રમણ એ જાહેર આરોગ્યના મુખ્ય જોખમો છે જે શરદી, ફલૂ, ઓરી અને ચિકનપોક્સ જેવા રોગોનું કારણ બને છે. કેટલીકવાર આ વાયરલ ચેપ, ડિહાઇડ્રેશન, ન્યુમોનિયા અને અન્ય ચેપ જેવા ગંભીર, સંભવત: જીવન માટે જોખમી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પરિવર્તિત થઈ શકે છે. આરોગ્યની આ ચિંતાના મૂળ કારણને નાથવાના લક્ષ્ય સાથે, ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (આઇઆઇટી ગાંધીનગર)ના સંશોધકોની ટીમે સફળતાપૂર્વક એક એન્ટી-વાયરલ સરફેસ કોટિંગ મટિરિયલ વિકસાવ્યુ છે જે નોન-પેથોજેનિક વાયરસ પર ખૂબ અસરકારક છે, સાથે જ બિન-ઝેરી, પર્યાવરણને અનુકૂળ અને પારદર્શક છે.
વાયરસને નિષ્ક્રિય કરવા માટે હાલમાં ઉપયોગમાં લેવાતા ઘણા એન્ટિ-વાયરલ કોટિંગ્સ તાંબા અથવા ચાંદીના આયનો (ions)નો ઉપયોગ મુખ્ય ઘટકો તરીકે કરે છે, પરંતુ આ તેમને પર્યાવરણીય અને ડિઝાઇનના પાસાઓની દ્રષ્ટીએ મુશ્કેલ બનાવે છે. કારણકે તાંબું એ જાણીતી રીતે એક ટોક્સિક પદાર્થ છે અને તે બિન-પારદર્શક છે, એટલે કે તેનો ઉપયોગ ઇનડોર ઉપયોગ માટે ખૂબ પડકારરૂપ હોય છે. તાંબા અને ચાંદીની અપારદર્શક પ્રકૃતિને કારણે પણ ડિઝાઇન/સૌંદર્યલક્ષી પાસાંઓ પર પણ ઘણું સમાધાન કરવું પડે છે, જે કોટેડ સપાટીને બિન-પારદર્શક બનાવી દે છે, જે ઘણી વખત બિનવ્યવહારૂ હોય છે. તદુપરાંત, પ્રયોગશાળાના સ્તરથી ઔદ્યોગિક સ્તરે સરળ રીતે પરિવર્તિત થઈ શકે તેની ખાતરી કરવા માટે એન્ટિ-વાયરલ સરફેસ કોટિંગને સંશ્લેષિત કરવા માટે ઓછી ખર્ચાળ, સ્કેલેબલ ફેબ્રિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવટ પ્રક્રિયા સરળ રહે તે ઇચ્છનીય છે.
તેની એન્ટિ-વાયરલ પ્રવૃત્તિથી આશાસ્પદ પરિણામો દર્શાવ્યા ઉપરાંત, આ ઇનોવેટિવ કોટિંગને અલગ બનાવે છે તે બાબત એ છે કે તે પારદર્શક, બિન-ઝેરી છે, અને પ્રકૃતિમાં વિપુલ પ્રમાણમાં રહેલા ઘટકોનો ઉપયોગ કરે છે, જેના કારણે તે પર્યાવરણને અનુકૂળ પણ બને છે. એક તરફ પૃથ્વીના પોપડામાં વધુ હાજરી ધરાવનારા નોન-સ્ટોઇકોમેટ્રિક આકાર રહિત ટાઇટેનિયમ ઑકસાઈડના બિન-ઝેરી અને આવશ્યક તત્વોનો ઉપયોગ આ કોટિંગના સંશ્લેષણ માટે કરવામાં આવે છે, જે તેને ટકાઉ અને એન્ટિ-વાયરલ બનાવે છે; તો ઓરડાના તાપમાને સ્કેલેબલ રેડિયો ફ્રીક્વન્સી (RF) મેગ્નેટ્રોન સ્પટરિંગ ફેબ્રિકેશન ટેકનોલોજી તેને કોસ્ટ-ઇફેક્ટિવ (ઓછી ખર્ચાળ) બનાવે છે. આ ઉપરાંત, તે લગભગ 45 નેનોમીટર જ જાડુ છે જે તમામ પ્રકારની સપાટીઓ પર સરળતાથી ભળી જઈ શકે છે.
આ કોટિંગ ટકાઉ, રાસાયણિકરૂપે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને સબસ્ટ્રેટ/વસ્તુ સાથે મજબૂતાઈથી ચીપકી જાય છે. તેને ગ્લાસ, મેટલ, સ્ટીલ, સિલિકોન અને ટેફલોનથી લઈને વિવિધ પ્રકારના ઇન્ડોર અને આઉટડોર સબસ્ટ્રેટ્સ પર સરળતાથી લગાવી શકાય છે; જેનો અર્થ એ છે કે કાચની બારીઓ, કાચના દરવાજા, લાકડાના અને પ્લાસ્ટિકના ફર્નિચર, ડોર હેન્ડલ્સ, અન્ય હેન્ડલ્સ, ઘરેલુ ઉપકરણો, ઇલેક્ટ્રોનિક્સ, વાહનો અને ઑટોમોબાઇલ્સ જેવી વસ્તુઓ પર લગાવામાં તે ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ કોટિંગને વાયરસ સ્ટ્રેઇન્સ (આને વારંવાર સ્પર્શાતી સપાટી કહી શકાય)ના સંપર્કમાં લાવવાના અનેક પરીક્ષણો પછી ટીમે જાણ્યું કે કોટિંગની એન્ટિ-વાયરલ પ્રવૃત્તિ ઘણી વાર ધોવાયા પછી પણ યથાવત રહે છે. આમ, તે વાયરલ ચેપ અને વારંવાર સ્પર્શાતી સપાટીઓથી તેના સંક્રમણને અટકાવીને જાહેર આરોગ્યની પરિસ્થિતિને સુધારવામાં નોંધપાત્ર ફાળો આપી શકે છે. જો કે ટીમે હજી સુધી કોરોનાવાયરસ સામે કોટિંગનું પરીક્ષણ કર્યું નથી.
આ નવી એન્ટિ-વાયરલ સરફેસ કોટિંગ વિકસાવનાર આઇઆઇટી ગાંધીનગરની ટીમમાં પ્રો. એમિલા પાંડા, એસોસિએટ પ્રોફેસર, મટિરિયલ્સ એન્જિનિયરિંગ; પ્રો. અભય રાજ સિંહ ગૌતમ, સહાયક પ્રોફેસર, મટિરિયલ્સ એન્જિનિયરિંગ; પ્રો. વિરૂપાક્ષી સોપીના, રામલિંગસ્વામી ફેલો, બાયોલોજીકલ એન્જિનિયરિંગ; નિશાબેન એમ. પટેલ, પીએચડી વિદ્યાર્થીની, બાયોલોજીકલ એન્જિનિયરિંગ; અને રવિ તેજા મિત્તિરેડ્ડી, પીએચડી વિદ્યાર્થી, મટિરીયલ્સ એન્જિનિયરિંગ નો સમાવેશ થાય છે.