અસમમાં ઉગ્રવાદીઓનો ઉપદ્રવઃ સાત ટ્રકોને લગાવી આગ, પાંચ ડ્રાઈવર થયાં ભડથું
- પોલીસ ઘટના સ્થળે પહોંચી
- ઉગ્રવાદી સંગઠન ડીએનએલએની સંડોવણીની આશંકા
દિલ્હીઃ અસમના દિમા હસાઓ જનપથ ખાતે અગ્રવાદીઓએ ઉમરંગસો લંકા રોડ ઉપર સાત ટ્રકોને આગ ચાંપી હતી. આ ઘટનામાં પાંચ વ્યક્તિઓના મોત થયાં છે. આ તમામ ટ્રક ચાલકો હતો. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરી છે. આ ઘટના દીમા હસાઓ જિલ્લાના દીયંગબરામાં ઘટી હતી. અહીં કેટલાક શંકાસ્પદ ઉગ્રવાદીઓએ રાત્રિના અંધારામાં સાત ટ્રકોને આગ ચાંપી હતી. ઉગ્રવાદીઓએ ટ્રકને આગ ચાંપ્યા પહેલા સ્થળ પર અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે અત્યાર સુધી પાંચ ચાલકોના મૃતદેહ બહાર કાઢ્યાં છે. પોલીસે જણાવ્યું હતું કે, દીમા હસાઓ જિલ્લાના ઉમરંગસો લંકા રોડ ઉપર બનેલી આ ઘટનામાં ઉગ્રવાદી સંગઠન ડીએનએલએની સંડોવણી હોવાની શકયતાઓ છે. જેથી સમગ્ર વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના એસપીએ જણાવ્યું હતું કે, આરોપીઓને ઝડપી લેવા માટે અસમ રાઉફલ્સની મદદ લેવામાં આવી રહી છે. તેમજ નજીકના દિવસોમાં જ આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ લોકોમાં ભય ફેલાયો છે.